વિશ્વભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે અગ્રણી ટેકનોલોજી કંપની ઓપનએઆઈએ પોતાના કર્મચારીઓ માટે અત્યંત ગંભીર અને ચોંકાવનારી સુરક્ષા ચેતવણી જાહેર કરી છે. કંપની મેનેજમેન્ટે પોતાના સ્ટાફને તાકીદ કરી છે કે વિદેશી ગુપ્તચર એજન્સીઓ કંપનીના અતિ મહત્વપૂર્ણ અને ગોપનીય ડેટા મેળવવા માટે કર્મચારીઓને પ્રણયજાળ એટલે કે 'હની પોટ'માં ફસાવવાનો પ્રયાસ કરી શકે છે. સિલિકોન વેલીમાં ટેકનોલોજીની સ્પર્ધા ચરમસીમાએ પહોંચી છે ત્યારે જો કોઈ અજાણી વ્યક્તિ અચાનક તમારા અંગત જીવનમાં કે નોકરીમાં અસામાન્ય રસ દાખવે, તો તરત જ સતર્ક થઈ જવાની સૂચના આપવામાં આવી છે.
કંપની દ્વારા આયોજિત ખાસ તાલીમ સત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જાસૂસી માત્ર આકર્ષણ કે રોમાન્સ પૂરતી સીમિત નથી હોતી, પરંતુ જાસૂસો અત્યંત સામાન્ય પરિસ્થિતિઓનો પણ દુરુપયોગ કરે છે. તાલીમ દરમિયાન એક ઉદાહરણ શેર કરવામાં આવ્યું હતું કે સાન ફ્રાન્સિસ્કોના બાળ રમતના મેદાનમાં એક અજાણી વ્યક્તિ બાળકના બહાને કર્મચારી સાથે સામાન્ય વાતચીત શરૂ કરે છે. ધીમે ધીમે આ સામાન્ય ચર્ચા કર્મચારીના કામ અને પ્રોજેક્ટ્સ તરફ વાળી દેવામાં આવે છે, જે પાછળથી જાસૂસીનો હિસ્સો હોવાનું સામે આવે છે.
કર્મચારીઓને આ ખતરાની ગંભીરતા સમજાવવા માટે રશિયામાં અમેરિકી રાજદ્વારી સાથે બનેલી એક જૂની ઘટના ટાંકવામાં આવી હતી, જેમાં અધિકારીના હોટેલ રૂમમાં મોંઘી શરાબ સાથે સુંદર મહિલાઓ અને યુવકોને મોકલીને લલચાવવાના સતત પ્રયાસો કરવામાં આવ્યા હતા. આધુનિક યુગમાં કૃત્રિમ બુદ્ધિમત્તા વૈશ્વિક સુરક્ષા અને આર્થિક ક્ષેત્રે સૌથી મોટું પરિબળ બની ગઈ છે, જેથી વિશ્વભરની જાસૂસી સંસ્થાઓ અંદરની માહિતી ચોરવા માટે આક્રમક બની છે. કંપનીએ તમામ સ્ટાફને કોઈપણ શંકાસ્પદ મિત્રતા કે લાલચથી દૂર રહેવા અને આવી કોઈ પણ ઘટના બને તો તાત્કાલિક સુરક્ષા વિભાગને જાણ કરવા કડક આદેશ આપ્યા છે.
