જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર વન્યજીવો ચડી આવવાની ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે કાલાવડ પંથકમાં ફરી એક વખત હિંસક વન્યજીવની હાજરીથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. કાલાવડ તાલુકાના માછરડા ગામની સીમમાં આવેલા વાડી વિસ્તારમાં એક દીપડો લટાર મારતો નજરે પડતાં ખેડૂતો અને સ્થાનિક રહેવાસીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સીમ વિસ્તારમાં દીપડાના આંટાફેરા હોવાની વાત વાયુવેગે પ્રસરતાં સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે.
સ્થાનિક લોકો પાસેથી મળતી પ્રાથમિક વિગતો અનુસાર, માછરડા ગામના સીમ વિસ્તારમાં ખેતીકામ કરી રહેલા લોકોને દીપડા જેવું હિંસક પ્રાણી નજરે પડ્યું હતું. આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં પણ આ વિસ્તારમાં દીપડો દેખાયો હોવાનો એક વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જોકે આ વીડિયો આ જ ગામનો છે કે અન્ય કોઈ સ્થળનો તેની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ શકી નથી, પરંતુ વીડિયો સામે આવ્યા બાદ ગ્રામજનોમાં ભારે દહેશત વ્યાપી ગઈ છે. ખાસ કરીને રાત્રિના સમયે ખેતરોમાં પિયત માટે જતાં ખેડૂતો ભારે ચિંતા અનુભવી રહ્યા છે.
દીપડાની કથિત હાજરી અંગે ગ્રામજનો દ્વારા તાત્કાલિક અસરથી વનવિભાગને જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતા સમજીને સામાજિક વનીકરણ વિભાગની ટીમ સતર્ક બની છે અને સ્થળ પર પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વનકર્મીઓ દ્વારા ખેતરાઉ વિસ્તારોમાં દીપડાના પગના નિશાન શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા ગ્રામજનોને રાત્રિના સમયે સીમ વિસ્તારમાં એકલા ન જવા તેમજ સાવચેતી રાખવા માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સમયાંતરે સિંહ અને દીપડા જેવા શિકારી પ્રાણીઓ શિકાર કે પાણીની શોધમાં આવી ચડતા હોવાના બનાવો અગાઉ પણ બન્યા છે. માછરડા ગામ અને આસપાસના સીમ વિસ્તારોમાં વસવાટ કરતા લોકો હવે સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. ગ્રામજનોની એક જ માંગણી છે કે વનવિભાગ દ્વારા પરિસ્થિતિની ગંભીરતા જોઈને તાત્કાલિક પાંજરું ગોઠવવામાં આવે અને વન્યજીવને પકડી સુરક્ષિત જંગલ વિસ્તારમાં ખસેડવામાં આવે.
