JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
જામનગર

લાલપુરના સણોસરી પાસે ટ્રેક પર લોખંડનો ટુકડો મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ: મોટી દુર્ઘટના ટળી, અજાણ્યા શખ્સો સામે ગુનો

Oct 16, 2026 | 02:47 | By JAMNAGAR MIRROR
લાલપુરના સણોસરી પાસે ટ્રેક પર લોખંડનો ટુકડો મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ: મોટી દુર્ઘટના ટળી, અજાણ્યા શખ્સો સામે ગુનો

જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં રેલવે ટ્રેક પર લોખંડનો ટુકડો મૂકી ટ્રેન ઉથલાવી મુસાફરોના જીવ જોખમમાં મૂકવાનું એક ગંભીર ષડયંત્ર સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. લાલપુર અને ગોપ રેલવે સ્ટેશન વચ્ચે આવેલા સણોસરી ગામની સીમમાં કોઈ અજાણ્યા અસામાજિક તત્ત્વો દ્વારા રેલવે ટ્રેક પર આશરે ત્રણ ફૂટ લાંબો લોખંડનો ભારે ટુકડો મૂકી દેવામાં આવ્યો હતો. સદનસીબે આ માર્ગ પરથી પસાર થઈ રહેલી પેસેન્જર ટ્રેનના એન્જિન સાથે લોખંડનો ટુકડો અથડાયા બાદ પણ ટ્રેન પાટા પરથી ઉતરી ન હતી, જેના કારણે એક ભયાનક રેલ દુર્ઘટના સહેજમાં ટળી ગઈ હતી.

આ ચકચારી બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, લાલપુર રેલવે વિભાગમાં જુનિયર સેક્શન એન્જિનિયર તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ મીનાએ લાલપુર પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. કાનાલુસથી પોરબંદર તરફ જઈ રહેલી ટ્રેન નંબર ૫૯૨૦૫ ના એન્જિન સાથે સણોસરી સીમ વિસ્તારમાં અચાનક પાટા પર પડેલો લોખંડનો ટુકડો ધડાકાભેર અથડાયો હતો. આ અંગે ભાવનગર એન્જિનિયરિંગ કંટ્રોલ રૂમ દ્વારા સ્થાનિક અધિકારીઓને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ રેલવેના અધિકારીઓ અને ટેકનિકલ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયા હતા, જ્યાં તપાસ દરમિયાન રેલવે ટ્રેક પરથી જૂની મીટરગેજ લાઈનનો આશરે ત્રણ ફૂટ લાંબો લોખંડનો ટુકડો મળી આવ્યો હતો.

તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, બનાવના દિવસે સવારે રેલવે ટ્રેકનું નિયમિત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બપોરના સમયે મોતીહારી એક્સપ્રેસ પણ ત્યાંથી સલામત રીતે પસાર થઈ ગઈ હતી. તે સમયે ટ્રેક પર કોઈ પણ શંકાસ્પદ વસ્તુ ન હતી. આથી સ્પષ્ટ બને છે કે બપોરે ૧૨:૧૫ થી ૨:૨૮ વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ જાણીજોઈને રેલવે ટ્રેનને અવરોધવા અને નિર્દોષ મુસાફરોને મોટું નુકસાન પહોંચાડવાના બદઇરાદાથી આ જોખમી કૃત્ય આચર્યું હતું. આ મામલે લાલપુર પોલીસે અજાણ્યા શખ્સો સામે કાયદેસરનો ગુનો નોંધી સમગ્ર વિસ્તારમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

LATEST ARTICLES