ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ રાજકોટ સ્થિત પંડિત દીનદયાલ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલની અચાનક મુલાકાત લઈ સમગ્ર પરિસરનું સઘન નિરીક્ષણ કર્યું હતું. હોસ્પિટલના વિવિધ વિભાગોની વાસ્તવિક સ્થિતિ અને દર્દીઓને મળતી સારવારની ગુણવત્તા ચકાસવા માટે તેમણે ઝીણવટભરી માહિતી મેળવી હતી. સામાન્ય અને ગરીબ દર્દીઓ સરકારી હોસ્પિટલમાંથી સંપૂર્ણ સાજા થઈને સંતોષ સાથે સ્વગૃહે પરત ફરે તે બાબત સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા હોવાનું મંત્રીએ આ મુલાકાત દરમિયાન સ્પષ્ટ કર્યું હતું.
આ મુલાકાત દરમિયાન એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા મંત્રીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાંથી સ્વજનોને મૃતદેહ સોંપવાની પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની ગેરસમજ કે ક્ષતિ ન રહે તે માટે નંબર, વિશેષ કોડ પ્રણાલી અને સ્ક્રીનિંગ સાથેની વૈજ્ઞાનિક કાર્યપદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. આ નવી પદ્ધતિનો તાત્કાલિક અસરથી ચુસ્ત અમલ કરવા આદેશ અપાયા છે. આ ઉપરાંત, મૃતદેહોની યોગ્ય જાળવણી માટે અંદાજે રૂપિયા ૩.૫ કરોડના ખર્ચે નવી આધુનિક મોર્ચ્યુઅરી અને ફ્રીઝર વ્યવસ્થા આગામી ૧૫ થી ૩૦ દિવસમાં સંપૂર્ણપણે કાર્યરત કરી દેવાની સૂચના પણ તંત્રને આપવામાં આવી છે.
મંત્રીએ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડ, ટ્રોમા કેર સેન્ટર, ઓર્થોપેડિક, જનરલ સર્જરી, મેડિસિન તેમજ ટીબી અને છાતીના રોગોના વિભાગોની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ સાથે અદ્યતન એમઆરઆઈ કેન્દ્ર અને ડાયાલિસિસ યુનિટનું નિરીક્ષણ કરી ત્યાં ઉપલબ્ધ ગંભીર સારવાર સેવાઓની સમીક્ષા કરી હતી. ડાયાલિસિસ કેન્દ્રની સરાહનીય કામગીરી બદલ તેમણે સમગ્ર તબીબી ટીમને બિરદાવી હતી. હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતા જાળવવા પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે, કેમ્પસમાં પાન-માવા ખાઈને ગંદકી કરનાર કોઈપણ વ્યક્તિ કે કર્મચારી સામે સુરક્ષાકર્મીઓ દ્વારા સ્થળ પર જ કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે.
અંતમાં, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉક્ટર કમલસિંહ ડોડીયા સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી આર.આર. ફૂલમાળી, આરોગ્ય અધિકારી પી. કે. સિંઘ તેમજ આરએમઓ ડૉક્ટર હર્ષદ દૂસરા ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સ્ટ્રેચરની પૂરતી સુવિધા, માતા અને બાળ મૃત્યુદરમાં ઘટાડો લાવવા માટેના પ્રયાસો અને હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
