JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

વડોદરામાં આંતરરાજ્ય ઠગાઈનો મોટો ખેલ: મુંબઈના ઝવેરી પાસેથી ૮.૨૮ કરોડના સોનાના દાગીના પડાવી વેપારી ફરાર

Oct 12, 2026 | 12:28 | By JAMNAGAR MIRROR
વડોદરામાં આંતરરાજ્ય ઠગાઈનો મોટો ખેલ: મુંબઈના ઝવેરી પાસેથી ૮.૨૮ કરોડના સોનાના દાગીના પડાવી વેપારી ફરાર

સંસ્કારી નગરી વડોદરામાં સોના-ચાંદીના મોટા વેપારની આડમાં આંતરરાજ્ય છેતરપિંડીનો અત્યંત સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. શહેરના વાઘોડિયા રોડ પર આવેલા ‘અંબિકા જ્વેલર્સ’ના સંચાલક ભાવિક સોની નામના ભેજાબાજે મુંબઈના જાણીતા ઝવેરીને વિશ્વાસમાં લઈ, પોતાની પેઢી માટે મોટા પાયે સોનાના દાગીના ખરીદવાનું નાટક રચ્યું હતું. વેપારી જ્યારે માલ આપવા વડોદરા પહોંચ્યા ત્યારે આ ગઠિયાએ જમવાનું બહાનું કાઢી, નજર ચૂકવીને રૂપિયા ૮.૨૮ કરોડની કિંમતના સોનાના દાગીના બારોબાર સગેવગે કરી નાસી છૂટ્યો હતો. આ કરોડો રૂપિયાની ઠગાઈ બહાર આવતાં જ રાજ્યભરના જ્વેલરી બજારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

આ સુનિયોજિત ષડયંત્રની પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી ભાવિક સોનીએ મુંબઈના વેપારી હિમાંશુ જૈનનો સંપર્ક સાધીને મોટા સોદાની લાલચ આપી હતી. વિશ્વાસમાં આવીને મુંબઈના વેપારી આશરે ૮.૨૮ કરોડ રૂપિયાના કિંમતી ઘરેણાંનો જથ્થો લઈને વડોદરાની દુકાને પહોંચ્યા હતા. ત્યાં દાગીનાની ચકાસણી દરમિયાન ભાવિક સોનીએ ‘હું જમીને હમણાં જ પાછો આવું છું’ તેમ કહી બહાર જવાનું બહાનું કાઢ્યું હતું. તે દરમિયાન તેની પૂર્વયોજના મુજબ દુકાન પર હાજર તેના અન્ય બે અજાણ્યા સાગરીતો સોનું ભરેલી બેગ લઈને પળવારમાં રફુચક્કર થઈ ગયા હતા. લાંબા સમય સુધી રાહ જોયા બાદ પણ આરોપી પરત ન ફરતાં વેપારીને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનો અહેસાસ થયો હતો.

કરોડો રૂપિયાની મત્તા લૂંટાઈ જતાં ભોગ બનનાર વેપારીએ તાત્કાલિક બાપોદ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભાવિક સોની અને તેના સાગરીતો સામે છેતરપિંડીનો ગુનો નોંધી સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બનાવ સ્થળ તેમજ આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસીને આરોપીઓની ભાગવાની દિશા શોધવાના પ્રયાસો હાથ ધરાયા છે. આટલી મોટી રકમની છેતરપિંડી હોવાથી શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમો પણ તપાસમાં જોડાઈ છે અને આરોપીઓના સંભવિત આશ્રયસ્થાનો પર દરોડા પાડવાની કાર્યવાહી તેજ કરવામાં આવી છે.

LATEST ARTICLES