JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

આણંદમાં શ્રીકૃષ્ણ હોસ્પિટલની ‘હેલ્ધી હાર્ટ વૉકેથોન’માં ૨,૫૦૦થી વધુ લોકો ઊમટ્યા: હૃદયની સુરક્ષા માટે અપાયો જાગૃતિ સંદેશ

Oct 12, 2026 | 01:29 | By JAMNAGAR MIRROR
આણંદમાં શ્રીકૃષ્ણ હોસ્પિટલની ‘હેલ્ધી હાર્ટ વૉકેથોન’માં ૨,૫૦૦થી વધુ લોકો ઊમટ્યા: હૃદયની સુરક્ષા માટે અપાયો જાગૃતિ સંદેશ

હૃદયના સ્વાસ્થ્ય અંગે સમાજમાં વ્યાપક જનજાગૃતિ ફેલાવવા અને નાગરિકોને નિરોગી તથા સક્રિય જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાના ઉમદા હેતુ સાથે શ્રીકૃષ્ણ હોસ્પિટલ, કરમસદ સંચાલિત ભાનુભાઈ અને મધુબેન પટેલ કાર્ડિયાક સેન્ટર દ્વારા દસમી ‘હેલ્ધી હાર્ટ વૉકેથોન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્ડિયાક સેન્ટરના ૧૮મા સ્થાપના દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં યોજાયેલી આ ચાર કિલોમીટર લાંબી વૉકેથોનમાં ૨,૫૦૦થી વધુ નગરજનો, તબીબો, વિદ્યાર્થીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ ઉત્સાહભેર જોડાઈને હૃદયની સુરક્ષાનો સંકલ્પ લીધો હતો. વલ્લભવિદ્યાનગર સ્થિત નલિની આર્ટ્સ કૉલેજ ખાતેથી પ્રસ્થાન પામેલી આ રેલી આણંદ ટાઉન હૉલ ખાતે સંપન્ન થઈ હતી.

આ કાર્યક્રમનું પ્રસ્થાન ચરોતર આરોગ્ય મંડળના ટ્રસ્ટી જાગૃત ભટ્ટ, સેક્રેટરી અમિત પટેલ, મંડળના સભ્ય રાધાસરણભાઈ તેમજ કાર્ડિયાક સેન્ટરના વડા ડૉ. સુનિલ કર્ણા, હૃદયરોગ સર્જરી વિભાગના વડા ડૉ. મનીષ તિવારી અને કાર્ડિયોલોજિસ્ટ ડૉ. કુશલ પુજારાએ લીલી ઝંડી દર્શાવી કરાવ્યું હતું. આ પ્રસંગે ભાઈકાકા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. જ્યોતિ તિવારી અને મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. જીતેશ દેસાઈ સહિત હોસ્પિટલના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વૉકેથોનમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, અમૂલ, ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ, ચરોતર ગેસ સહકારી મંડળી, અનુપમ મિશન, વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન, રોટરી ક્લબ તથા ઇનર વ્હીલ ક્લબ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ જોડાઈ હતી. વિશેષરૂપે અંધજન મંડળના સભ્યોએ પણ સહભાગી થઈને સમાવેશી સમાજનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.

સમાપન સમારોહ દરમિયાન કાર્ડિયાક સેન્ટરના નિષ્ણાત તબીબો દ્વારા ઉપસ્થિત જનમેદનીને હૃદયરોગથી બચવા માટે નિયમિત કસરત અને યોગ્ય આહારશૈલી અપનાવવા અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે તેમજ સ્થાપના દિવસની સ્મૃતિમાં હોસ્પિટલ દ્વારા એક માસ માટે અત્યંત રાહતદરે વિશેષ હૃદયરોગ તપાસ પૅકેજ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ સુવિધા થકી નાગરિકો સમયસર હૃદયની તપાસ કરાવી ગંભીર બીમારીઓ સામે પૂર્વતૈયારી અને સચોટ સારવાર મેળવી શકશે.

LATEST ARTICLES