કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે ગાંધીનગરમાં કાયદાનો સકંજો વધુ કડક બન્યો છે. ગાંધીનગરના પેથાપુર પોલીસ મથકમાં હોબાળો મચાવવા અને સરકારી ફરજમાં રુકાવટ ઊભી કરવા બદલ પીઆઈ દેસાઈ દ્વારા જિગ્નેશ મેવાણી અને કોંગ્રેસ ઉમેદવાર સૂર્યસિંહ ડાભી સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધાયા બાદ, હવે સેક્ટર-૭ પોલીસ સ્ટેશનમાં મેવાણી અને તેમના સમર્થકો સામે વધુ એક નવી FIR દાખલ કરવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર, પેથાપુરની એક અરજીના કામે યુનુસ પરમારના સમર્થક મુનાફ પઠાણની પૂછપરછ ચાલી રહી હતી ત્યારે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, સાકીર રાઠોડ, નાસીર ઉર્ફે પિન્ટુ મેમણ તથા અન્ય સાતેક માણસોના ટોળા સાથે સેક્ટર-૧૩ પોલીસ ચોકીમાં ધસી ગયા હતા. ત્યાં ફરજ પર રહેલા રાજ્ય સેવકની કાયદેસરની કામગીરીમાં રૂકાવટ ઊભી કરી, અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને બળજબરીપૂર્વક હલ્લોબોલ મચાવ્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે સરકારી કામકાજમાં દખલગીરી અને જાહેરનામા ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
આ ઉપરાંત, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર પૂર્ણ થઈ ગયો હોવા છતાં ચૂંટણી પ્રચાર ચાલુ રાખીને આચારસંહિતાનો ભંગ કરવાનો પણ આરોપ લાગ્યો છે. પોલીસે અટકાવવાનો પ્રયાસ કરતાં પેથાપુર સંજરી પાર્ક વિસ્તારમાં કોંગ્રેસ ઉમેદવાર યુનુસભાઈ પરમારના કાર્યાલય સામે હોદ્દાના જોરે પોલીસ સામે અભદ્ર શબ્દો વાપર્યા હતા અને સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો હતો. આ ઘટનાને પગલે રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો છે અને પોલીસે સમગ્ર મામલે આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે.
