JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
જામનગર

જામનગરમાં વંદે ભારત ટ્રેનની અડફેટે બે વ્યક્તિના કમકમાટીભર્યા મોત: મૃતકોની ઓળખ થઈ, અંધાશ્રમ ફાટક પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત

Oct 12, 2026 | 02:31 | By JAMNAGAR MIRROR
જામનગરમાં વંદે ભારત ટ્રેનની અડફેટે બે વ્યક્તિના કમકમાટીભર્યા મોત: મૃતકોની ઓળખ થઈ, અંધાશ્રમ ફાટક પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત

જામનગર શહેરના ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા અંધાશ્રમ ફાટક પાસે શનિવારે મોડી સાંજે એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. ઓખાથી અમદાવાદ તરફ પુરપાટ ઝડપે જઈ રહેલી વંદે ભારત સુપરફાસ્ટ ટ્રેનની અડફેટે આવી જતાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. ટ્રેનની પ્રચંડ ગતિને કારણે મૃતદેહો ક્ષત-વિક્ષત હાલતમાં ફેરવાઈ ગયા હતા અને એક વ્યક્તિના શરીરના બે ટુકડા થઈ જતાં સ્થળ પર ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. આ અકસ્માતને પગલે ટ્રેન આશરે ૧૧ મિનિટ જેટલી મોડી પડી હોવાનું રેલવે તંત્ર દ્વારા જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં જ સીટી 'સી' ડિવિઝન પોલીસ મથકનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પંચનામું કરી બંને મૃતદેહોનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકોની ઓળખ રમેશભાઈ હાજાભાઈ ચૌહાણ (ઉંમર આશરે ૫૪ વર્ષ, રહે. લક્ષ્મીનગર સોસાયટી, અંધાશ્રમ નજીક) તથા સોનુકુમાર અંબિકાકુમાર (ઉંમર ૩૨ વર્ષ, મૂળ રહે. ગુવાહાટી, આસામ, હાલ જામનગર) તરીકે થઈ છે.

સ્થાનિક વિગતો મુજબ, જામનગર શહેરના અંધાશ્રમ ફાટક પર ઓવરબ્રિજ બની ગયો હોવાથી છેલ્લા ચાર વર્ષથી આ રેલવે ફાટક કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવ્યું છે. આમ છતાં, આસપાસના સ્લમ વિસ્તારના લોકો જોખમી રીતે રેલવે ટ્રેક ઓળંગીને અવરજવર કરતા હોય છે, જેના કારણે ભૂતકાળમાં પણ આ વિસ્તારમાં ટ્રેન અડફેટે મોતની ઘટનાઓ નોંધાઈ ચૂકી છે. આ ગંભીર બેદરકારીને કારણે ફરી એકવાર બે નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

LATEST ARTICLES