ભરૂચ શહેરના તુલસીધામ શાકમાર્કેટ નજીક આવેલી રંગકૃપા સોસાયટીમાં રહેતા અને વાયરમેન તરીકે વ્યવસાય કરતા દિનેશભાઈ ભીખાભાઈ પ્રજાપતિ સાથે છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દિનેશભાઈએ તેમના સાથી કોન્ટ્રાક્ટર કરણભાઈ કનુભાઈ સાથે વીજળીનું કામ કર્યું હતું, જેના મહેનતાણા પેટે કરણભાઈએ તેમને એક લાખ રૂપિયાનો બેન્ક ઓફ બરોડાની સેવાશ્રમ રોડ શાખાનો ચેક આપ્યો હતો. દિનેશભાઈએ નિયમ મુજબ આ ચેક પોતાના ખાતામાં જમા કરાવવા માટે નિયત ડિપોઝિટ પાવતી સાથે બેન્કમાં મુકેલા ડ્રોપ બોક્સમાં નાખ્યો હતો.
જોકે, ત્રણથી ચાર દિવસ વીતવા છતાં પણ ખાતામાં નાણાં જમા ન થતાં દિનેશભાઈએ કોન્ટ્રાક્ટર કરણભાઈનો સંપર્ક સાધ્યો હતો. કરણભાઈએ તપાસ કરતાં જણાવ્યું હતું કે આપેલો ચેક તો પાસ થઈ ચૂક્યો છે. જેથી દિનેશભાઈએ તાત્કાલિક બેન્કમાં રૂબરૂ જઈને તપાસ કરતા ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો કે, ગત ૩૦મી ઓગસ્ટના રોજ કોઈ અજાણ્યા શખ્સે તે ચેક દ્વારા રોકડા રૂપિયા ઉપાડી લીધા હતા. ડ્રોપ બોક્સમાંથી ચેક ચોરી નાણાં ઉપડી ગયા હોવાની ગંભીર બાબત સામે આવતાં ભોગ બનનારે ભરૂચ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ગુનો દાખલ કરી તાબડતોબ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસનીશ ટીમે બેન્ક પરિસર તથા આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસતા એક શંકાસ્પદ શખ્સ નજરે પડ્યો હતો. પોલીસે બાતમીદારોને સક્રિય કરી ભરૂચ રેલવે સ્ટેશન નજીકથી ભૃગુઋષિ બ્રિજ તરફ પગપાળા જઈ રહેલા શંકાસ્પદ શખ્સને ઘેરાબંધી કરી દબોચી લીધો હતો. પોલીસની કડક પૂછપરછમાં આરોપી ભાંગી પડ્યો હતો અને તેણે પોતાનું નામ મહેન્દ્રપાલ સુખલાલ જાટવ (રહેવાસી બારખેડા, ઉત્તર પ્રદેશ) હોવાનું કબૂલ્યું હતું.
આરોપીએ બેન્કના ડ્રોપ બોક્સમાંથી ચેક મેળવી રોકડ રકમ ઉપાડી લીધી હોવાની કબૂલાત કરતાં પોલીસે તેની પાસેથી બેન્કની ડિપોઝિટ સ્લિપ તેમજ અન્ય દસ્તાવેજો જપ્ત કર્યા હતા. પોલીસે આરોપીને અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડ મેળવવાની કાનૂની તજવીજ હાથ ધરી છે તેમજ આ ગઠિયાએ અન્ય કોઈ બેન્કોમાં આવી ચોરી કરી છે કે કેમ તે દિશામાં પણ તપાસ લંબાવી છે.
