આજના ડિજિટલ યુગમાં સાયબર ગઠિયાઓ સામાન્ય નાગરિકોની સાથે સાથે હવે કાયદાના રક્ષકોને પણ નિશાન બનાવી રહ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મૂળ જામનગર જિલ્લાના બેરાજા ગામના વતની અને હાલ જૂનાગઢ ખાતે આવેલા સોરઠ પોલીસ તાલીમ કેન્દ્રમાં તાલીમ લઈ રહેલાં મહિલા પોલીસકર્મી જીનલબેન બાબુભાઈ સોલંકી સાથે સાયબર ગઠિયાઓએ આશરે ૮૦ હજાર રૂપિયાથી વધુની છેતરપિંડી આચરી છે. બેંકના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી મહિલા પોલીસકર્મીને વિશ્વાસમાં લઈ આ આખી ઠગાઈ આચરવામાં આવી હતી.
સમગ્ર ઘટનાની વિગત મુજબ, ભોગ બનનાર મહિલા પોલીસકર્મી પર એક અજાણ્યા હિન્દીભાષી શખ્સનો ફોન આવ્યો હતો. તેણે જાણીતી ખાનગી એક્સિસ બેંકના પ્રતિનિધિ તરીકે ઓળખ આપી ક્રેડિટ કાર્ડ પર નિયમિત લાગતા ચાર્જ કપાતા અટકાવવા તથા વાર્ષિક શુલ્ક રદ કરી આપવાની લાલચ આપી હતી. ત્યારબાદ આ શખ્સે વોટ્સએપ પર એક શંકાસ્પદ એપીકે ફાઇલ મોકલી હતી. આ ફાઇલ મોબાઇલમાં ઇન્સ્ટોલ કરાવી મહિલા પોલીસકર્મી પાસેથી ઓટીપી મેળવી લેવામાં આવ્યો હતો. ઓટીપી દાખલ થતાં જ તેમના ફોનમાં અનધિકૃત પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી અને ખાતામાંથી નાણાં કપાઈ ગયા હતા.
સાયબર ઠગ દ્વારા તાલીમાર્થી મહિલા પોલીસકર્મીના ક્રેડિટ કાર્ડમાંથી અલગ-અલગ પાંચ વ્યવહારો મારફતે કુલ રૂપિયા ૮૦,૫૧૭ની માતબર રકમ ઉપાડી લેવામાં આવી હતી. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ધ્યાને આવતા તેમણે તાત્કાલિક સાયબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. આ મામલે હવે જૂનાગઢ તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા મોબાઇલ નંબરધારક અને જે બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર થઈ છે તે ખાતાધારકો વિરુદ્ધ વિધિવત ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
