જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા તેમજ આગામી દિવસોમાં આવતા વિવિધ તહેવારોને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. સમગ્ર જિલ્લામાં જાહેર સલામતી, સુલેહ અને શાંતિનો માહોલ અકબંધ રહે તે હેતુથી તકેદારીના ભાગરૂપે પ્રતિબંધાત્મક હુકમો જારી કરવામાં આવ્યા છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિમલ ચૌધરી દ્વારા ‘ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩’ની કલમ-૧૬૩ હેઠળ મળેલી વિશેષ સત્તાની રૂએ આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું જામનગર મહાનગરપાલિકા વિસ્તાર સહિત સમગ્ર જિલ્લામાં આગામી ૩૧ ઓક્ટોબર સુધી ચુસ્તપણે અમલી રહેશે.
જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર, સમગ્ર જિલ્લા વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ એકત્રિત થવા પર સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી છે. આ ઉપરાંત પૂર્વ મંજૂરી વગર કોઈપણ પ્રકારની જાહેર સભા યોજવા, રેલી કે સરઘસ કાઢવા પર પણ કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને અસામાજિક તત્વો લોકશાંતિ ડહોળવાનો પ્રયાસ ન કરે તે માટે પોલીસ પ્રશાસનને પણ સતર્ક રહેવા અને સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત જાળવી રાખવા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.
વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલા આ પ્રતિબંધાત્મક હુકમમાંથી કેટલીક આવશ્યક સેવાઓ અને પ્રસંગોને મુક્તિ આપવામાં આવી છે. સરકારી નોકરી કે ફરજ પરના કર્મચારીઓ, ગૃહ રક્ષક દળ, જી.આઈ.એસ.એફ., વન વિભાગ, કસ્ટમ, સેન્ટ્રલ એક્સાઈઝ અને એન.સી.સી. જેવા દળો કે જેમને વિશેષ પોલીસ અધિકારો મળેલા છે તેમને આ નિયમ લાગુ પડશે નહીં. આ સાથે સામાન્ય જનજીવન અને સામાજિક પરંપરાઓને ધ્યાને રાખીને લગ્નના વરઘોડા તથા સ્મશાન યાત્રાને પણ આ જાહેરનામામાંથી મુક્તિ અપાઈ છે. જોકે, આ હુકમનો અનાદર કરનાર કે ભંગ કરનાર કોઈપણ ઈસમ સામે ‘ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩’ની કલમ-૨૨૩ હેઠળ કડક કાનૂની અને શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
