JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
જામનગર

માહિતી અધિકાર કાયદા અંતર્ગત દ્વારકામાં વિશેષ પરિસંવાદ: જામનગરના ઉચ્ચ અધિકારીઓ વીડિયો કોન્ફરન્સથી જોડાયા

Oct 11, 2026 | 02:42 | By JAMNAGAR MIRROR
માહિતી અધિકાર કાયદા અંતર્ગત દ્વારકામાં વિશેષ પરિસંવાદ: જામનગરના ઉચ્ચ અધિકારીઓ વીડિયો કોન્ફરન્સથી જોડાયા

દેશભરમાં યોજાતા માહિતી અધિકાર સપ્તાહ અંતર્ગત ગુજરાત માહિતી આયોગ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદન ખાતે એક મહત્વપૂર્ણ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય માહિતી કમિશનર નિખિલ ભટ્ટના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સેમિનારમાં જામનગર જિલ્લા વહીવટી તંત્ર પણ ટેકનોલોજીના માધ્યમથી સક્રિયપણે સહભાગી બન્યું હતું. જામનગર કલેક્ટર કચેરી ખાતેથી જિલ્લા કલેક્ટર પી. બી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, જિલ્લા પોલીસ વડા ડૉ. રવિ મોહન સૈની તેમજ નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી સહિત વિવિધ વિભાગોના જાહેર માહિતી અધિકારીઓ અને અપીલ અધિકારીઓ વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા.

આ પરિસંવાદમાં રાજ્ય માહિતી કમિશનર નિખિલ ભટ્ટે માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ ની કલમો અંગે સરળ અને વિસ્તૃત સમજૂતી આપી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, લોકશાહી વ્યવસ્થામાં નાગરિકોને નિયત સમયમર્યાદામાં અને ચોકસાઈપૂર્વક માહિતી મળવી તે ખૂબ જ આવશ્યક છે. જાહેર સત્તામંડળો દ્વારા માહિતી આપવામાં જે ક્ષતિઓ રહી જતી હોય છે, તેનું નિવારણ કઈ રીતે લાવી શકાય તે અંગે તેમણે સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સાથે જ પ્રથમ અપીલની કાર્યવાહી, ત્રાહિત પક્ષકારની માહિતી સંબંધિત નિયમો અને સરકારી રેકોર્ડની યોગ્ય જાળવણી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

વહીવટી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે દરેક સરકારી કચેરીઓ પોતાના વિભાગની વિગતો આપમેળે જાહેર કરે તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો. જો વિભાગો પોતાની વેબસાઇટ અને નોટિસ બોર્ડ પર અદ્યતન માહિતી ઉપલબ્ધ કરાવશે, તો સામાન્ય નાગરિકોને કચેરીના ધક્કા ખાધા વગર જરૂરી વિગતો મળી રહેશે અને અરજીઓનું પ્રમાણ પણ ઘટશે. સમગ્ર પરિસંવાદ દરમિયાન ડિજિટલ પ્રેઝન્ટેશન અને વીડિયો-પોડકાસ્ટના માધ્યમથી ઉપસ્થિત તમામ અધિકારીઓને કાયદાકીય જોગવાઈઓની ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી.

LATEST ARTICLES