JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
જામનગર

જામનગરમાં વિધર્મી મુક્ત નવરાત્રી માટે હિન્દુ સેનાનું અભિયાન: ગરબીઓમાં ઓળખપત્ર તપાસવા અને તિલક કરવા આયોજકોને આહવાન

Oct 11, 2026 | 02:42 | By JAMNAGAR MIRROR
જામનગરમાં વિધર્મી મુક્ત નવરાત્રી માટે હિન્દુ સેનાનું અભિયાન: ગરબીઓમાં ઓળખપત્ર તપાસવા અને તિલક કરવા આયોજકોને આહવાન

નવરાત્રીના પાવન પર્વ પૂર્વે જામનગર શહેરમાં હિન્દુ સેના દ્વારા સંસ્કૃતિ રક્ષણ અને લવ જિહાદ સામે જાગૃતિ લાવવા માટે એક વિશેષ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. શહેરના ખંભાળિયા નાકા સર્કલ અને આર્ય સમાજ માર્ગ પર સંગઠનના અગ્રણીઓ તથા કાર્યકરો દ્વારા જાહેર જનતામાં વિશેષ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. હિન્દુ સેનાએ આગામી નવરાત્રી મહોત્સવને વિધર્મી મુક્ત રાખવા અને ગરબીઓની પવિત્રતા અકબંધ રાખવા માટે ગરબા સંચાલકો તથા આયોજકોને કડક શબ્દોમાં સંદેશો પાઠવી સાવચેત રહેવા અનુરોધ કર્યો છે.

આ જાગૃતિ અભિયાન દરમિયાન હિન્દુ સેના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ પ્રતીક ભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર મંત્રી મયુર ચંદન દ્વારા ગરબા આયોજકો સમક્ષ કેટલીક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા રજૂ કરવામાં આવી હતી. જેમાં ગરબા મહોત્સવમાં પ્રવેશતા પ્રત્યેક ખેલૈયા અને દર્શકોના ઓળખપત્રોની ઝીણવટપૂર્વક તપાસ કરવી, પ્રવેશદ્વારે કપાળ પર કંકુનું તિલક કરવું, ગૌમૂત્રનો છંટકાવ કરવો તેમજ માતાજીની પવિત્ર પ્રસાદી આપવી જેવા નિયમો અમલી બનાવવા અપીલ કરાઈ હતી. આ ઉપરાંત રાસ-ગરબાના આયોજન સાથે સંકળાયેલા ગાયક કલાકારો, સંગીત વૃંદ, મંડપ સર્વિસ, વીજળી વ્યવસ્થા તથા સુરક્ષા રક્ષકો સહિતની તમામ સેવાઓ માત્ર હિન્દુઓને જ સોંપવા આગ્રહ કરવામાં આવ્યો હતો. સંગઠને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો નિયમોનું પાલન નહીં થાય અને કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તેની સીધી જવાબદારી આયોજકોની રહેશે.

આ પત્રિકા વિતરણ કાર્યક્રમમાં હિન્દુ સેનાના શહેર પ્રમુખ દિપક પિલ્લાઈ, મંત્રી સંજય ધનવાણી, સંગઠન મંત્રી વિવેક જાખરીયા તેમજ યુવા ઉપપ્રમુખ ધીરેન નંદા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે મંથન પારેખ, જયરાજસિંહ જાડેજા, આનંદ કનખરા, મેહુલ ઝાલા, ગુંજ કારીયા ઉપરાંત મહિલા પાંખના પ્રતિનિધિ કાજલબેન પંડ્યા તથા જયશ્રીબેન સોનેજી સહિત મોટી સંખ્યામાં સૈનિકો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી અભિયાનને સમર્થન આપ્યું હતું. આ કાર્યક્રમ થકી ધાર્મિક પર્વની ગરિમા જાળવી રાખવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

LATEST ARTICLES