જામનગર જિલ્લાના સિક્કા ગામમાં આઠ વર્ષની માસૂમ બાળકી પર ગુજારાયેલા અમાનવીય અત્યાચાર અને નિર્મમ હત્યાના ચકચારી કેસમાં નામદાર પોક્સો અદાલતે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ કેસને અત્યંત ગંભીર અને વિરલ ગણાવીને અદાલતે નરાધમ આરોપી નીતિન ડોસાજી માણેકને ફાંસીની સજા એટલે કે મૃત્યુદંડની આકરી સજા ફટકારી છે. આ સાથે જ પોક્સો કાયદા હેઠળ આજીવન કેદ અને પચાસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. બાળકીઓ અને મહિલાઓ સામે થતા ગુનાઓ પ્રત્યે રાજ્ય સરકારની કડક નીતિના ભાગરૂપે આ ફેંસલો ન્યાયતંત્રમાં દાખલારૂપ સાબિત થયો છે.
આ ધૃણાસ્પદ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના સિક્કા ખાતે આઠ વર્ષની નિર્દોષ બાળકીને આશરે એક મહિના સુધી અસહ્ય શારીરિક યાતનાઓ આપી પ્રતાડિત કરવામાં આવી હતી. પાપી આરોપી દ્વારા બાળકીને શરીરના ગુપ્ત ભાગો તેમજ છાતી પર દિવાસળીથી ડામ આપી અમાનુષી અત્યાચાર ગુજારાયો હતો. આટલું ઓછું હોય તેમ લોખંડના દસ્તા અને ધોકા વડે બેફામ માર મારી તેમજ દીવાલ સાથે ભટકાડી તેની નિર્દયતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી. શરૂઆતમાં આ ગુનો વણઉકેલાયેલો હતો, પરંતુ મામલાની ગંભીરતા પારખીને પોલીસે તાબડતોબ તપાસ હાથ ધરી આરોપી નીતિન માણેકની સંડોવણી શોધી કાઢી તેની ધરપકડ કરી લીધી હતી.
જામનગર પોલીસે આ કેસમાં પ્રશંસનીય ત્વરા દાખવીને વૈજ્ઞાનિક, તકનીકી અને દસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કર્યા હતા. ઘટનાના માત્ર ૩૫ દિવસના અત્યંત ટૂંકા ગાળામાં કોર્ટમાં પુરાવાલક્ષી તહોમતનામું રજૂ કરી દેવામાં આવ્યું હતું. અદાલતમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા ૨૩ સાક્ષીઓ અને ૯૫ જેટલા દસ્તાવેજી પુરાવાઓ સાથે ધારદાર દલીલો રજૂ કરવામાં આવી હતી. તમામ સાક્ષીઓ અને મજબૂત પુરાવાઓને આધારે અદાલતે આ કૃત્યને અતિ જઘન્ય ગણીને દોષિતને આકરી સજા સંભળાવી હતી.
માસૂમ બાળકી અને તેના પરિવારને આટલા ટૂંકા સમયગાળામાં ન્યાય અપાવવા બદલ ગૃહ વિભાગ દ્વારા જામનગર પોલીસ ટીમ તથા સરકારી વકીલોની કામગીરીની મુક્તકંઠે પ્રશંસા કરવામાં આવી છે. આ ચુકાદાથી સમાજમાં વિકૃત માનસિકતા ધરાવતા ગુનેગારોમાં કાયદાનો ખૌફ ઊભો થશે.
