જામનગર શહેરના નૂરી ચોકડી વિસ્તારમાં આવેલી ઇદ્રસપીરની દરગાહ નજીક ગત મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. કાળા રંગની થાર ગાડીના ચાલકે બેફિકરાઈપૂર્વક વાહન ચલાવી આગળ જઈ રહેલી આઈ-૨૦ કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ જોરદાર ટક્કરના કારણે આઈ-૨૦ કાર આગળ જઈ રહેલી એક ખાનગી કંપનીની બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગમખ્વાર ત્રિપલ અકસ્માતમાં કારમાં સવાર એક આશાસ્પદ યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
અકસ્માત એટલો પ્રચંડ હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ દુર્ઘટનામાં કાળનો કોળિયો બનેલા હતભાગી યુવાનની ઓળખ અફઝલ રહીમભાઈ ચાવડા તરીકે થઈ છે, જેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. કારમાંથી ગંભીર રીતે ઘવાયેલા અન્ય ત્રણ યુવાનોને લોહીલુહાણ હાલતમાં બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે જામનગરની સરકારી જી. જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબો દ્વારા ત્રણેય ઇજાગ્રસ્ત યુવાનોની સઘન સારવાર શરૂ કરવામાં આવી છે.
આ કરુણ બનાવની જાણ થતાં જ સિટી 'એ' ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી. એમ. ડોડિયા પોતાના કાફલા સાથે તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે મૃતક અફઝલ ચાવડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સામાન્ય અકસ્માત સિવાય આ ઘટના પાછળ કોઈ જૂની અદાવત કે પૂર્વયોજિત કાવતરું છુપાયેલું છે કે કેમ, તે તમામ પાસાંઓને ધ્યાને રાખીને પી.આઈ. વી. એમ. ડોડિયા દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. મોડી રાત્રે બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે શોક અને ચકચારનો માહોલ ફેલાયો છે.
