JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
જામનગર

જામનગરમાં નવરાત્રિ પૂર્વે હિન્દુ સેનાનું જાગૃતિ અભિયાન: ગરબા મહોત્સવોને વિધર્મીમુક્ત રાખવા આયોજકોને કડક તાકીદ

Oct 11, 2026 | 02:11 | By JAMNAGAR MIRROR
જામનગરમાં નવરાત્રિ પૂર્વે હિન્દુ સેનાનું જાગૃતિ અભિયાન: ગરબા મહોત્સવોને વિધર્મીમુક્ત રાખવા આયોજકોને કડક તાકીદ

નવરાત્રિ મહોત્સવના આગમન પૂર્વે જામનગર શહેરમાં હિન્દુ સેના દ્વારા કથિત 'લવ જિહાદ' સામે લોકજાગૃતિ કેળવવા અને ગરબા મહોત્સવોને વિધર્મીમુક્ત રાખવાના સંકલ્પ સાથે એક વિશેષ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના ખંભાળિયા નાકા સર્કલ અને આર્ય સમાજ માર્ગ જેવા મુખ્ય વિસ્તારોમાં સંગઠનના કાર્યકરો દ્વારા જાહેર જનતાને પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પત્રિકાઓ થકી સમાજની દીકરીઓને સતર્ક રહેવા અને ધર્માંતરણના ષડયંત્રો સામે સાવચેત રહેવા અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમ દરમિયાન હિન્દુ સેના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ પ્રતીક ભટ્ટની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર મંત્રી મયુર ચંદન દ્વારા ગરબા આયોજકો માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ગરબી કે રાસ મંડળોમાં પ્રવેશ મેળવતા તમામ ખેલૈયાઓ અને દર્શકોના ઓળખપત્રોની સઘન ચકાસણી થવી જોઈએ. આ ઉપરાંત પ્રવેશદ્વાર પર કપાળે કંકુનું તિલક કરવું, ગૌમૂત્રનો છંટકાવ કરવો અને માતાજીનો પવિત્ર પ્રસાદ આપવો જેવી પરંપરાગત વ્યવસ્થા સુનિશ્ચિત કરવા આયોજકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

હિન્દુ સેના દ્વારા ગરબા સંચાલકોને કડક શબ્દોમાં તાકીદ કરવામાં આવી છે કે આયોજન સાથે જોડાયેલી તમામ સેવાઓ, જેવી કે ગાયક કલાકારો, સંગીત વૃંદ, વિદ્યુત વ્યવસ્થા, મંડપ સેવા તેમજ બાઉન્સર અને સુરક્ષા કર્મીઓ તરીકે માત્ર હિન્દુ વર્ગના લોકોને જ કામ સોંપવામાં આવે. સંગઠને એવી ગર્ભિત ચેતવણી પણ ઉચ્ચારી છે કે જો આ નિયમોનું પાલન કરવામાં નહીં આવે અને કાર્યક્રમ દરમિયાન કોઈ અણછાજતો કે અનિચ્છનીય બનાવ બનશે, તો તેની તમામ જવાબદારી ગરબા આયોજકો અને સંચાલકોની રહેશે.

આ પત્રિકા વિતરણ અને જાગૃતિ કાર્યક્રમમાં સંગઠનના શહેર પ્રમુખ દીપક પિલ્લાઈ, મંત્રી સંજય ધનવાણી, સંગઠન મંત્રી વિવેક જાખરીયા, યુવા ઉપપ્રમુખ ધીરેન નંદા, મંથન પારેખ, જયરાજસિંહ જાડેજા, આનંદ કનખરા, મેહુલ ઝાલા, ગુંજ કારીયા તેમજ મહિલા પાંખના આગેવાન કાજલબેન પંડ્યા અને જયશ્રીબેન સોનેજી સહિત મોટી સંખ્યામાં સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

LATEST ARTICLES