રાજકોટ શહેરના ભોમેશ્વર વિસ્તારમાંથી માનવતાને શર્મસાર કરતી અને હૃદય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં રહેતી એક ૧૪ વર્ષીય નિર્દોષ સગીરા પર તેના જ પડોશમાં રહેતા મહેશ નામના નેપાળી શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાનો સનસનાટીભર્યો મામલો બહાર આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ભોગ બનનાર સગીરાના માતા-પિતા પોતાના વતન ગયા હોવાથી ઘર ખાલી હતું. આ પરિસ્થિતિનો બદદાનતથી ગેરલાભ ઉઠાવીને પાડોશી શખ્સે સગીરાને ડરાવી-ધમકાવી પોતાની હવસનો શિકાર બનાવી હતી. સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે, આરોપીએ પોતાની પત્નીની રૂબરૂ હાજરીમાં જ સગીરા પર ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું.
આ સમગ્ર કાળા કરતૂતનો પર્દાફાશ એક વીડિયો વાયરલ થવાના કારણે થયો હતો. આરોપી મહેશ અટલ સરોવર નજીક કારમાં સગીરા સાથે અડપલાં કરી રહ્યો હતો ત્યારે તેની પત્નીએ ગુપ્ત રીતે તેનો વીડિયો પોતાના મોબાઇલમાં ઉતારી લીધો હતો. આ આરોપી અગાઉ ભોગ બનનાર સગીરાની પરિણીત મોટી બહેનને પણ ભગાડીને મુંબઈ લઈ ગયો હતો. આ બાબતની અદાવત અને આંતરિક વિખવાદના કારણે આરોપીની પત્નીએ કારમાં અડપલાં કરતો આ વીડિયો વાયરલ કરી દેતાં સમગ્ર મામલો સપાટી પર આવ્યો હતો અને નરાધમની કરતૂતો ખુલ્લી પડી ગઈ હતી.
ઘટનાની ગંભીરતા જોતાં સગીરાના પરિવારજનોએ તાત્કાલિક સ્થાનિક પોલીસનો સંપર્ક સાધી ન્યાયની ગુહાર લગાવી હતી. ગાંધીગ્રામ પોલીસે આ સંવેદનશીલ કેસમાં સગીરાની સુરક્ષાને ધ્યાને રાખી પોક્સો સહિતની કાયદાકીય કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ગુનો આચરીને નાસી છૂટેલા આરોપીની શોધખોળ માટે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી સઘન તપાસ હાથ ધરી હતી. અંતે પોલીસે મુંબઈ ખાતે દરોડો પાડી આરોપી મહેશને ઝડપી લીધો હતો. હાલ પોલીસ આરોપીને રાજકોટ લાવી આ કૃત્યમાં તેની પત્નીની સંડોવણી તેમજ અન્ય પાસાઓ અંગે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.
