ભાવનગરના શામપરા (ખો) ગામની સીમમાં કાસ્ટોરા ફોર્મ ટેક નામની કંપની ચલાવતા વેપારી ઋત્વિકભાઈ ગિરીશભાઈ પટેલ સાથે બનેલી એક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. કંપનીના કામકાજને લઈને અગાઉથી જ માહોલ તંગ હતો, ત્યારે મેણસુર ગોવિંદભાઈ ડાંગર અને શાર્દુલ હકુભાઈ કુવાડીયા નામના બે શખસો કંપનીના ગેટ પાસે આવી પહોંચ્યા હતા અને અસભ્ય ભાષા વાપરીને હોબાળો મચાવ્યો હતો. એટલું જ નહીં, કંપની બહાર રોડ સરખો કરવા માટે લાવેલા જેસીબી મશીનને પણ કામ કરતા અટકાવવામાં આવ્યું હતું. જ્યારે વેપારી આ બાબતે વાત કરવા ગયા, ત્યારે બન્નેએ મંજૂરી વગર કામ કરવાની ના પાડીને ઝપાઝપી શરૂ કરી દીધી હતી. અગાઉ 10,000 રૂપિયા રોકડા આપ્યા હોવા છતાં આ શખસોની ભૂખ ઓછી નહોતી થઈ અને તેમણે વધુ રૂા.20 લાખની મસમોટી ખંડણી માગી હતી. જો આ રકમ નહીં ચૂકવવામાં આવે તો જાનથી મારી નાખવાની અને કંપનીનું કામ હંમેશા માટે બંધ કરાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી, જેને લઈને વેપારીએ વરતેજ પોલીસ મથકનો આશરો લીધો હતો.
આ મામલો માત્ર ખંડણી પૂરતો સીમિત ન રહ્યો, પરંતુ જ્યારે વેપારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યા ત્યારે મોટો ડ્રામા સર્જાયો હતો. પોલીસ મથક ખાતે તાલુકા પંચાયતના સદસ્ય હિતેશ મેણસુરભાઈ ડાંગર, જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષના નેતા બળદેવ માવજીભાઈ સોલંકી અને જીતુભા મોરી ઉર્ફે જાડેજા પણ પહોંચી ગયા હતા. આ તમામ લોકોએ ભેગા મળીને કાવતરું રચ્યું હોય તેમ વેપારી સાથે બોલાચાલી કરી હતી અને તેમની વિરુદ્ધ છેડતીની ખોટી ફરિયાદ લખાવી દેવાની ધમકીઓ આપી હતી. પરિસ્થિતિની ગંભીરતા પારખીને પોલીસે વેપારીની ફરિયાદના આધારે આ શખસો સામે પણ બીએનએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી લીધો હતો. પોલીસ દ્વારા જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષના નેતા બળદેવ સોલંકી અને તાલુકા પંચાયતના સભ્ય હિતેશભાઈ ડાંગર સામે અટકાયતી પગલાં લેવામાં આવતા રાજકારણ ગરમાયું હતું.
પોલીસ દ્વારા રાજકીય આગેવાનો સામે કડક કાર્યવાહી કરવામાં આવતા રાત્રિના સુમારે જ માહોલ તંગ બન્યો હતો. કોંગ્રેસના શહેર પ્રમુખ મનહરસિંહ ગોહિલ, જિલ્લા પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ સહિતના કોંગ્રેસી કાર્યકરો અને ક્ષત્રિય, કોળી તેમજ આહિર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં વરતેજ પોલીસ મથકે દોડી આવ્યા હતા. આ મામલે રોષે ભરાયેલા કાર્યકરોએ બીજા દિવસે પોલીસ મથકની બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વરતેજ પોલીસ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ 'હાય હાય'ના નારા લગાવ્યા હતા. પોલીસ સ્ટેશનના પરિસરમાં જ સૂત્રોચ્ચાર કરીને માત્ર સ્થાનિક પોલીસ જ નહીં, પરંતુ રાજ્યના ગૃહમંત્રી અને કૃષિ મંત્રીના પણ પૂતળા દહન કરવામાં આવ્યા હતા. એક વેપારી પાસે ખંડણી માંગવાથી શરૂ થયેલો આ વિવાદ હવે મોટા રાજકીય અને સામાજિક આંદોલનમાં ફેરવાઈ ગયો છે, જેને કારણે ભાવનગર પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
