ડભોઇ તાલુકામાંથી પસાર થતી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની નસ-નસમાં પાણી પહોંચાડતી લોકમાતા ઓરસંગ નદીની હાલત જોઈને સૌકોઈ ચોંકી ગયા છે. સામાન્ય રીતે ઉનાળાના કાળઝાળ દિવસોમાં નદીના પટ સૂકાતા હોવાનું આપણે જોયું છે, પરંતુ આ વર્ષે તો કુદરત કંઈક અલગ જ મિજાજમાં હોય તેમ હજુ તો શિયાળાની માંડ શરૂઆત થઈ છે અને ત્યાં જ ઓરસંગ નદી સાવ ખાલીખમ થઈ ગઈ છે. નદીના વહેણ ક્યારનાય થંભી ગયા છે અને દૂર-દૂર સુધી ફક્ત રેતીના ઢગલા જ નજરે પડી રહ્યા છે, જેને કારણે આખા પંથકના ખેડૂતો અને ગ્રામવાસીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે.
ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન પંથકમાં વરસાદની અનિયમિતતા રહી અને ધાર્યા મુજબનો વરસાદ ન વરસવાને કારણે આ મુખ્ય જળસ્ત્રોત સમય પહેલા જ ખાલી થઈ ગયો છે. હજુ આખો શિયાળો અને ત્યારબાદ આખો ઉનાળો કાઢવાનો બાકી છે, ત્યારે શરૂઆતથી જ નદીની આવી દશા જોઈને આગામી દિવસોમાં પીવાના પાણી અને સિંચાઈનું મોટું સંંકટ તોળાઈ રહ્યું છે. ઓરસંગ નદીના કાંઠે વસેલા ગામોના ખેડૂતો મોટાભાગે નદીના પાણી અને તેના કારણે જમીનમાં ઊંચા રહેતા ભૂગર્ભ જળસ્તર પર જ નભતા હોય છે. શિયાળુ અને ઉનાળુ પાકનું મબલખ ઉત્પાદન કરતા આ ખેડૂતો હવે મૂંઝવણમાં મુકાયા છે કે નદી જ સૂકી હોય તો વાવેતર કરવું કે કેમ.
નદી અગાઉથી જ સૂકાઈ જવાના કારણે બોર અને કૂવાના પાણીના તળ પણ ખૂબ જ ઝડપથી નીચે ઊતરી જવાની દહેશત છે. આ સ્થિતિ ફક્ત ખેતીને જ નહીં, પરંતુ પશુપાલકો માટે પણ મુસીબત લઈને આવી રહી છે કારણ કે મૂગા પશુઓના પીવાના પાણીનો પ્રશ્ન પણ ગંભીર બની શકે છે. હજુ તો મોસમની શરૂઆત છે અને આ હાલત છે, તો આગામી ઉનાળાની સિઝનમાં પરિસ્થિતિ કેટલી ભયાનક બનશે તેની ચર્ચાએ સમગ્ર વિસ્તારમાં જાણે જોર પકડ્યું છે. કુદરતના આ માર સામે લાચાર બનેલો જગતનો તાત હવે ચિંતાતુર નજરે વહીવટી તંત્ર તરફ કે પછી કેનાલના પાણીના ભરોસે મીટ માંડીને બેસી રહ્યો છે.
