JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

સરકારી કચેરીમાં મહિલા વકીલ પર હુમલો: મોબાઈલ છીનવી કબાટ સાથે પછાડી, સમગ્ર ઘટના કેમેરામાં કેદ

Oct 10, 2026 | 16:57 | By JAMNAGAR MIRROR
સરકારી કચેરીમાં મહિલા વકીલ પર હુમલો: મોબાઈલ છીનવી કબાટ સાથે પછાડી, સમગ્ર ઘટના કેમેરામાં કેદ

અસમ રાજ્યના ગુવાહાટી નજીક આવેલી અઝારા મહેસૂલ કચેરીમાં એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં કામકાજ અર્થે પહોંચેલી એક મહિલા વકીલ પર કચેરીની અંદર જ હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર વિસ્તાર રાજ્યના મુખ્યમંત્રીના વિધાનસભા ક્ષેત્ર હેઠળ આવે છે. આ હિંસક ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં એક શખ્સ મહિલા વકીલ સાથે ઝપાઝપી કરીને તેમને કચેરીમાં રહેલા લોખંડના કબાટ સાથે જોરથી પછાડતો સ્પષ્ટપણે નજરે પડે છે. આ ઘટનાને પગલે સરકારી પરિસરમાં મહિલાઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

પોલીસ ફરિયાદ અનુસાર, મહિલા વકીલ જમીન સંપાદન સંબંધિત કેસની સુનાવણી માટે મહેસૂલ વર્તુળ અધિકારી બિપ્લબ શર્મા બારદોલોઈની કચેરીમાં પહોંચી હતી. સુનાવણી દરમિયાન મહિલા વકીલ અને મહેસૂલ કર્મચારી બિપુલ ડેકા વચ્ચે કોઈ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ વકરતાં વર્તુળ અધિકારીએ મહિલા વકીલને પોતાની ચેમ્બરમાં બોલાવી હતી, જ્યાં તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી અને અપશબ્દો બોલવામાં આવ્યા હતા. મહિલા વકીલે જ્યારે આ સમગ્ર વર્તણૂકનું પોતાના ફોનમાં રેકોર્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે કર્મચારી ડેકાએ બળજબરીપૂર્વક તેમનો મોબાઈલ ફોન છીનવી લીધો હતો.

ફરિયાદમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ઘટના સમયે ત્યાં હાજર રહેલા અને પોતાને વકીલ તરીકે ઓળખાવતા બાસ્તવ રમણ બરમન નામના શખ્સે મહિલા વકીલ પર શારીરિક હુમલો કર્યો હતો. મહિલાને તેનું વકીલાતનું લાયસન્સ રદ કરાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી. મહિલાએ બૂમાબૂમ કરતાં મામલો વધુ ગંભીર બન્યો હતો. આ મામલે પીડિતાએ સ્થાનિક પોલીસ મથકમાં અધિકારી, કર્મચારી અને હુમલાખોર સામે લેખિત ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ સામા પક્ષે પણ મહિલા વકીલ વિરુદ્ધ વળતી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ પોલીસે બંને પક્ષની ફરિયાદોના આધારે કાયદેસરની તપાસ તેજ કરી છે.

LATEST ARTICLES