વાહન માલિકો માટે પોતાના વાહનના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એટલે કે આરસી સાથે સાચો અને સક્રિય મોબાઈલ નંબર લિંક રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયો છે. વાહન સંબંધિત વિવિધ સરકારી સેવાઓનો ઓનલાઈન લાભ લેવા તેમજ ઈ-ચલણ કે અન્ય મહત્વપૂર્ણ સરકારી સૂચનાઓ સમયસર મેળવવા માટે અધ્યતન મોબાઈલ નંબર હોવો અનિવાર્ય છે. જો તમે જૂનો નંબર બદલી નાખ્યો હોય અને સરકારી દફતરે નવો નંબર નોંધાવ્યો ન હોય, તો વાહન વ્યવહારની સેવાઓ મેળવતી વખતે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જોકે, હવે આ સુધારા માટે વાહનચાલકોએ આરટીઓ કચેરીના ચક્કર લગાવવાની જરૂર નથી.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા સત્તાવાર 'વાહન' અને 'પરિવહન' પોર્ટલ પર મોબાઈલ નંબર અપડેટ કરવાની વિશેષ ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ પ્રક્રિયા ઘરે બેઠા પૂર્ણ કરવા માટે વાહન માલિકે પોતાની આરસી સાથે રાખવી જરૂરી છે. પોર્ટલ પર વાહનનો રજિસ્ટ્રેશન નંબર દાખલ કર્યા બાદ વાહનના ચેસિસ નંબર અને એન્જિન નંબરના છેલ્લા અંકો દાખલ કરીને ઓળખની ખરાઈ કરવાની રહે છે. આ તમામ વિગતો યોગ્ય રીતે દાખલ કર્યા બાદ, તમે જે નવો નંબર નોંધાવવા માંગો છો તેના પર ચકાસણી માટે એક ઓટીપી મોકલવામાં આવશે.
નવા મોબાઈલ નંબર પર આવેલો ઓટીપી દાખલ કરીને ખાતરી કરતાં જ સરકારી રેકોર્ડમાં નવો નંબર સફળતાપૂર્વક અપડેટ થઈ જાય છે. જોકે, અલગ-અલગ રાજ્યો અને વાહનોના પ્રકાર અનુસાર નિયમોમાં થોડો તફાવત હોઈ શકે છે. જો વાહનની વિગતો ઓનલાઈન મેળ ન ખાતી હોય અથવા કોઈ તકનીકી ક્ષતિ સર્જાય, તો જ નજીકની આરટીઓ કચેરીનો સંપર્ક કરવાનો રહે છે. વાહનચાલકોએ ખાસ સાવચેતી રાખવી કે આ પ્રક્રિયા માટે માત્ર સત્તાવાર સરકારી પોર્ટલનો જ ઉપયોગ કરવો, કોઈ અજાણી લિંક પર અંગત વિગતો દાખલ ન કરવી અને પોતાનો ઓટીપી કોઈની સાથે ક્યારેય શેર ન કરવો. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્ક્રીન પર આવતો પુષ્ટિ સંદેશ ખાસ વાંચી લેવો હિતાવહ છે.
