દેશભરમાં નશીલા પદાર્થોની તસ્કરી અને કાળા નાણાંને ધોળા કરવાના ષડયંત્ર વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે લાલ આંખ કરી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય વિશાળ ડ્રગ્સ તસ્કરી નેટવર્કના માસ્ટરમાઇન્ડ સલીમ ઇસ્માઇલ ડોલા સાથે સંકળાયેલા ગેરકાયદે નાણાકીય વ્યવહાર એટલે કે મની લોન્ડરિંગના કેસમાં તપાસ એજન્સીએ બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહીથી દેશવ્યાપી ડ્રગ્સ માફિયાઓ તેમજ ગેરકાયદે હવાલા નેટવર્ક ચલાવતા અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
આ ગંભીર કેસની તપાસ કરી રહેલી કેન્દ્રીય એજન્સીના જણાવ્યા મુજબ, આ સિન્ડિકેટના મુખ્ય સૂત્રધાર સલીમ ઇસ્માઇલ ડોલાને ગત એપ્રિલ મહિનામાં તુર્કીથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યો હતો. ધરપકડ કરાયેલા બંને આરોપીઓ આ આંતરરાષ્ટ્રીય ગેંગના અત્યંત સક્રિય સભ્યો હતા. તેઓ ઘાતક અને પ્રતિબંધિત સિન્થેટિક ડ્રગ્સ મેફેડ્રોનના ગેરકાયદે ઉત્પાદનમાં સીધા સંકળાયેલા હતા. આ ઉપરાંત, આ ડ્રગ્સ તૈયાર કરવા માટે જરૂરી પ્રતિબંધિત રસાયણોની મોટા પાયે ખરીદી કરવાની અને અવાવરૂ સ્થળોએ પહોંચાડવાની સમગ્ર ગુપ્ત વ્યવસ્થા તેઓ સંભાળતા હતા.
ડ્રગ્સના વેચાણ દ્વારા ઊભા કરાયેલા કરોડો રૂપિયાના કાળા નાણાંને સફેદ કરવા માટે આરોપીઓ દ્વારા સુનિયોજિત કાવતરું ઘડવામાં આવ્યું હતું. તેઓ આ રકમ હવાલા માધ્યમથી તેમજ વિવિધ શંકાસ્પદ બેંક ખાતાઓ દ્વારા સુરક્ષિત જગ્યાએ પહોંચાડતા હતા. આ સિન્ડિકેટના પગલે એજન્સી દ્વારા અગાઉ દેશના ચાર મોટા શહેરોમાં દરોડા પાડીને વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. તે દરમિયાન રૂપિયા એક કરોડ તેત્રીસ લાખની સંપત્તિ જપ્ત તેમજ ફ્રીઝ કરવામાં આવી હતી, સાથે બાવીસસો અમેરિકન ડૉલરનું વિદેશી ચલણ પણ જપ્ત કરવામાં આવ્યું હતું.
આ બંને આરોપીઓની અટકાયત બાદ હવે કાયદાકીય સકંજો વધુ મજબૂત બન્યો છે. તપાસ એજન્સી દ્વારા હવે આ આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટ સાથે જોડાયેલા અન્ય સ્થાનિક તેમજ વિદેશી સાગરીતોની ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે. હવાલા વ્યવહારોમાં મદદ કરનારા વચેટિયાઓ અને નાણાકીય ગેરરીતિમાં સામેલ અન્ય વ્યક્તિઓની પણ ઓળખ કરવામાં આવી રહી છે, જેથી આગામી દિવસોમાં આ નેટવર્ક સાથે જોડાયેલા વધુ મોટા માથાંઓ જેલના સળિયા પાછળ ધકેલાય તેવી પૂરી સંભાવના છે.
