શહેરમાં ત્રિકોણબાગ નજીક આવેલી એક જાણીતી હોટેલમાં મહેમાનો સાથે ગયેલા યુવક સાથે હોટેલ સંચાલક અને સ્ટાફે તકરાર કર્યા બાદ સમાધાનના બહાને બોલાવી જીવલેણ હુમલો કર્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. રૈયા ચોકડી વિસ્તારમાં રહેતા યુવકને યુનિવર્સિટી રોડ પર સમાધાન કરવા માટે બોલાવી સાતથી આઠ શખ્સોએ લાકડી અને ધોકા વડે બેફામ માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. લોહીલુહાણ હાલતમાં યુવકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવને પગલે સ્થાનિક પોલીસે હોસ્પિટલ પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, રૈયા ચોકડી પાસે રહેતો ૩૪ વર્ષીય આશિષ દિનેશભાઈ મારડીયા નામનો યુવાન તેના ઘરે આવેલા મહેમાનો તેમજ મિત્ર અકરમ દાઉદાણી સાથે ત્રિકોણબાગ સ્થિત હોટેલ ફ્લોરાઈન ખાતે ગયો હતો. તે દરમિયાન હોટેલનો મેનેજર નશાની હાલતમાં પોતાના સ્ટાફ સાથે ઝઘડો કરી રહ્યો હતો. ઉશ્કેરાયેલા મેનેજરે અચાનક આશિષ અને તેના મિત્ર સાથે પણ માથાકૂટ શરૂ કરી દીધી હતી અને અકરમનો કાંઠલો પકડી લીધો હતો. સમગ્ર મામલે પરિચિત વ્યક્તિની ટેલિફોનિક દરમિયાનગીરી બાદ આશિષ પોતાના મહેમાનો સાથે વિવાદ ટાળીને ત્યાંથી નીકળી ગયો હતો.
જોકે, આ વિવાદનો અહીં અંત આવ્યો નહોતો. આશિષ જ્યારે યુનિવર્સિટી રોડ પર આવેલી દ્વારકાધીશ હોટેલ પાસે બેઠો હતો, ત્યારે હોટેલ ફ્લોરાઈનના સંચાલક દીપક રબારીએ ફોન કરીને અગાઉ થયેલી બોલાચાલીનું સમાધાન કરવાની વાત કરી હતી. સમાધાન માટે આશિષ વાતચીત કરે તે પૂર્વે જ દીપક રબારી અને સિદ્ધરાજ ડોડીયા સહિત સાતથી આઠ અજાણ્યા શખ્સો ધોકા સાથે ધસી આવ્યા હતા અને આશિષ પર તૂટી પડ્યા હતા. આ હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ચકચારી બનાવ અંગે પોલીસે યુવકની ફરિયાદના આધારે ગુનો નોંધી હુમલાખોરોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
