JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

પુત્રને ભણાવવા માટે પરત ન સોંપાતા લાચાર પિતાએ બ્લેડના ઘા મારી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો

Oct 10, 2026 | 15:28 | By JAMNAGAR MIRROR
પુત્રને ભણાવવા માટે પરત ન સોંપાતા લાચાર પિતાએ બ્લેડના ઘા મારી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો

શહેરની ભાગોળે આવેલા વાછકપર બેડી ગામના એક લાચાર પિતાએ પોતાના માસૂમ પુત્રને માલધારી પાસેથી છોડાવી અભ્યાસ કરાવવા માટે પરત માંગતા, પુત્ર ન મળતાં આઘાતમાં આવીને જાતે જ બ્લેડ વડે હાથ અને શરીર પર કાપા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. કાગદળી ગામના પાટિયા પાસે બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવેલા પ્રૌઢને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, વાછકપર બેડી ગામે રહેતા ૪૫ વર્ષીય રતીભાઈ દાનાભાઈ પરમારના પત્નીનું આજથી સાત વર્ષ પૂર્વે કાળીપાટ નજીક એસટી બસની અડફેટે આવતા કરુણ મોત નીપજ્યું હતું. પત્નીના આકસ્મિક અવસાન બાદ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અને તેમની આર્થિક પરિસ્થિતિ અત્યંત દયનીય બની ગઈ હતી. ગરીબી અને લાચારીના કારણે રતીભાઈએ પોતાના ૧૨ વર્ષના પુત્રને ગુજરાન ચલાવવા માટે નવધણ ઉર્ફે ભૂરા ભરવાડ નામના માલધારી સાથે માલઢોર ચરાવવાની મજૂરી કરવા મોકલી આપ્યો હતો.

સમય જતાં પિતાને પોતાના વહાલસોયા પુત્રના ભવિષ્યની ચિંતા થતાં તેમણે દીકરાને મજૂરીમાંથી મુક્ત કરાવી શાળાએ મોકલી સારો અભ્યાસ કરાવવાનો મક્કમ નિર્ણય કર્યો હતો. આ હેતુથી રતીભાઈએ માલધારી નવધણ ભરવાડ પાસે જઈને પોતાના પુત્રને મુક્ત કરી પરત સોંપવા વારંવાર વિનંતી કરી હતી. જોકે, માલધારીએ બાળકને પિતા સાથે મોકલવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો અને પુત્રને પિતાને સોંપ્યો નહોતો.

પુત્રને શિક્ષણ અપાવવાના પિતાના સપના પર પાણી ફરી વળતા અને કાળજાના કટકા સમાન દીકરાને પરત ન મેળવી શકવાના અસહ્ય આઘાતમાં રતીભાઈ ભાંગી પડ્યા હતા. સવારના અગિયારેક વાગ્યાના અરસામાં તેઓ કાગદળી ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે હતાશામાં આવી જઈ પોતાની પાસે રહેલી બ્લેડ વડે હાથ અને શરીર પર ઊંડા કાપા મારી લીધા હતા. લોહીલુહાણ હાલતમાં પ્રૌઢને જોઈ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાકીદે હોસ્પિટલ પહોંચાડ્યા હતા. હાલ પોલીસે આ મામલે હોસ્પિટલ પહોંચી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

LATEST ARTICLES