ભાવનગર જિલ્લામાં શિક્ષણનો અધિકાર એટલે કે ‘આરટીઈ’ કાયદા હેઠળ ગરીબ અને વંચિત વર્ગના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપનારી સ્વનિર્ભર ખાનગી શાળાઓ હાલ ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે. શૈક્ષણિક વર્ષનું પ્રથમ સત્ર પૂર્ણતાના આરે હોવા છતાં સરકાર તરફથી શાળાઓને મળવાપાત્ર ફીની રકમ હજુ સુધી ચૂકવવામાં આવી નથી. આ વિલંબને કારણે ભાવનગર જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિતમાં રજૂઆત કરીને તાત્કાલિક નાણાં મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે.
નિયમ અનુસાર આરટીઈ હેઠળ ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફી નિયમન સમિતિ (એફઆરસી) દ્વારા નિર્ધારિત થયેલી ફી અથવા સરકાર દ્વારા નક્કી કરાયેલું વળતર વર્ષમાં બે હપ્તામાં ચૂકવવાની જોગવાઈ છે. શાળા મંડળના અગ્રણીઓના જણાવ્યા મુજબ, એફઆરસી દ્વારા મંજૂર થયેલી વાસ્તવિક ફી કરતાં સરકાર તરફથી આરટીઈ પેટે ઘણું ઓછું વળતર મળે છે. આમ છતાં શાળાઓ આર્થિક ખોટ સહન કરીને પણ બાળકોના હિતમાં શિક્ષણ કાર્ય ચાલુ રાખે છે. તેવામાં પ્રથમ સત્રનું વળતર પણ અટવાઈ પડતાં સંચાલકોની મુશ્કેલીઓ બેવડાઈ ગઈ છે.
આગામી દિવસોમાં દિવાળીનો મોટો તહેવાર આવી રહ્યો હોવાથી શાળા સંચાલકો સમક્ષ શિક્ષકો અને અન્ય કર્મચારીઓને નિયમિત માસિક પગારની સાથે તહેવાર પૂર્વે એડવાન્સ વેતન ચૂકવવાની મોટી જવાબદારી આવી પડી છે. સ્વનિર્ભર શાળાઓ સંપૂર્ણપણે ફીની આવક પર નિર્ભર હોવાથી મંડળે માંગ કરી છે કે ૨૦ ઓક્ટોબર સુધીમાં આ રકમ ખાતામાં જમા કરવામાં આવે. જોકે, આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે વળતર ચુકવણીની વહીવટી પ્રક્રિયા પ્રગતિમાં છે અને આગામી બેથી ત્રણ દિવસમાં શાળાઓને પ્રથમ સત્રની ચુકવણી કરી દેવામાં આવશે.
