JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

ગુજરાતની મહિલાઓમાં મેદસ્વિતાનું પ્રમાણ ચિંતાજનક સ્તરે વધ્યું: સુરત, રાજકોટ અને અમદાવાદમાં સ્થિતિ ગંભીર

Oct 09, 2026 | 18:05 | By JAMNAGAR MIRROR
ગુજરાતની મહિલાઓમાં મેદસ્વિતાનું પ્રમાણ ચિંતાજનક સ્તરે વધ્યું: સુરત, રાજકોટ અને અમદાવાદમાં સ્થિતિ ગંભીર

તાજેતરમાં જાહેર થયેલા રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ-૬ (૨૦૨૩-૨૪)ના તારણોમાં ગુજરાતની મહિલાઓના આરોગ્યને લઈને અત્યંત ચોંકાવનારો અને ચિંતાજનક ખુલાસો થયો છે. રાજ્યમાં મહિલાઓમાં વધતા વજન અને મેદસ્વિતાની સમસ્યા પહેલાં કરતાં વધુ ઝડપથી વકરી રહી છે. ખાસ કરીને ગુજરાતના ચાર પ્રમુખ મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં અગાઉ થયેલા પાંચમા સર્વેક્ષણની સરખામણીએ મેદસ્વી અને અતિશય વજન ધરાવતી મહિલાઓની સંખ્યામાં ભારે ઉછાળો નોંધાયો છે. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે શહેરી વિસ્તારની મહિલાઓનું શારીરિક સ્વાસ્થ્ય હવે જોખમી વળાંક પર પહોંચી ગયું છે.

આંકડાકીય વિગતો મુજબ સમગ્ર ગુજરાતમાં મેદસ્વી મહિલાઓનું પ્રમાણ ૨૨.૭ ટકાથી વધીને સીધું ૩૧.૧ ટકાએ પહોંચ્યું છે, જે ૪૧.૪ ટકાનો સીધો વધારો દર્શાવે છે. મહાનગરોની સ્થિતિ તપાસીએ તો સુરતમાં મેદસ્વી મહિલાઓની ટકાવારીમાં સૌથી વધુ ૬૮.૧૨ ટકાનો તોતિંગ ઉછાળો નોંધાયો છે. જ્યારે રાજકોટમાં ૫૮.૯૨ ટકા અને અમદાવાદમાં ૫૮.૧૩ ટકાનો વધારો થયો છે. રાજકોટમાં તો હાલ ૪૪.૫ ટકા જેટલી મહિલાઓ મેદસ્વિતાનો ભોગ બની ચૂકી છે. વડોદરામાં આ વધારો ૨૮.૬૭ ટકા રહ્યો છે. નોંધનીય છે કે આ સર્વેક્ષણમાં ૨૫ કે તેથી વધુ બોડી માસ ઇન્ડેક્સ ધરાવતી મહિલાઓને વધારે વજન ધરાવતી અથવા મેદસ્વી ગણવામાં આવી છે.

મહિલાઓમાં કૂદકે ને ભૂસકે વધતી મેદસ્વિતા પાછળનું મુખ્ય પરિબળ આધુનિક જીવનશૈલી માનવામાં આવી રહ્યું છે. તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, મહિલાઓમાં બદલાતી ખાણીપીણીની આદતો, પૌષ્ટિક આહારનો અભાવ, પ્રોસેસ્ડ ફૂડનું વધુ પડતું ચલણ અને બેઠાડુ જીવન આ સ્થિતિ માટે મુખ્યત્વે જવાબદાર છે. આ ઉપરાંત, દૈનિક જીવનમાં શારીરિક શ્રમ ઘટવો અને નિયમિત વ્યાયામ કે કસરત ન કરવાની બેદરકારી મહિલાઓને ગંભીર શારીરિક વ્યાધિઓ તરફ ધકેલી રહી છે. આરોગ્ય નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જો સમયસર આહાર અને જીવનશૈલીમાં સુધારો નહીં કરવામાં આવે, તો ભવિષ્યમાં ડાયાબિટીસ, હૃદયરોગ અને બ્લડપ્રેશર જેવી ગંભીર બીમારીઓનું પ્રમાણ પણ ભયજનક સપાટીએ પહોંચી શકે છે.

LATEST ARTICLES