દર્દીઓની વેદના સાંભળવા અને તેમની સારવાર કરવા માટે સજ્જ થઈ રહેલા ભાવિ તબીબો પોતે જ ગંભીર માનસિક તાણ અને સામાજિક સંકોચનો સામનો કરી રહ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. અમદાવાદ ખાતે હાથ ધરવામાં આવેલા એક વિશેષ સંશોધન અનુસાર, એમબીબીએસના ૪૮૦ જેટલા વિદ્યાર્થીઓમાંથી લગભગ ૫૦ ટકા વિદ્યાર્થીઓ મધ્યમથી લઈને અત્યંત ગંભીર કક્ષાના સામાજિક ભયથી પીડાઈ રહ્યા છે. તબીબી અભ્યાસમાં સામેલ વિદ્યાર્થીઓમાંથી ૨૮.૩ ટકા વિદ્યાર્થીઓમાં મધ્યમ, ૨૭.૩ ટકામાં હળવો, ૧૯.૮ ટકામાં ગંભીર અને ૧૮.૬ ટકા વિદ્યાર્થીઓમાં અત્યંત ગંભીર સ્તરનો ભય જોવા મળ્યો છે. આ આંકડા દર્શાવે છે કે જેઓ ભવિષ્યમાં લોકોના જીવન બચાવવાના છે, તેઓ પોતે જાહેરમાં વાતચીત કરવામાં અસમર્થતા અને સંકોચ અનુભવી રહ્યા છે.
તબીબી ક્ષેત્રના નિષ્ણાતો અને સંશોધકોના મતે, આ પરિસ્થિતિ અત્યંત ગંભીર છે કારણ કે તબીબી વ્યવસાયમાં દર્દી સાથેનો સરળ સંવાદ સૌથી પાયાની જરૂરિયાત ગણાય છે. અન્ય રાજ્યો કે દૂરના વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓ જ્યારે છાત્રાલયમાં રહેવા આવે છે, ત્યારે તેઓ શરૂઆતમાં તીવ્ર એકલતા અનુભવે છે અને સામાજિક સંબંધો કેળવવામાં મુશ્કેલી અનુભવે છે. આ ઉપરાંત અન્ય લોકો દ્વારા પોતાના વિશે ખોટો અભિપ્રાય બાંધી લેવામાં આવશે તેવા ડરથી ઘણા વિદ્યાર્થીઓ સામાજિક મેળાવડા કે જાહેર કાર્યક્રમોમાં ભાગ લેવાનું ટાળે છે. ઇન્ટર્નશિપ અને ગ્રામીણ વિસ્તારોમાં સેવા દરમિયાન દર્દીઓ સાથે સીધો સંપર્ક કરવો અનિવાર્ય હોય છે, ત્યારે આ પ્રકારનો ભય તેમના આત્મવિશ્વાસ પર પ્રતિકૂળ અસર પાડે છે.
સંશોધનમાં એ પણ સ્પષ્ટ થયું છે કે તમાકુનું સેવન, સામાજિક-આર્થિક પરિસ્થિતિ અને રહેઠાણ જેવા પરિબળો આ માનસિક સમસ્યા સાથે સીધા સંકળાયેલા છે. જોકે, રમતગમતમાં સક્રિય રહેતા વિદ્યાર્થીઓમાં ચિંતા અને તણાવનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઓછું જોવા મળ્યું હતું. રમતગમત માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નહીં, પરંતુ સામાજિક કૌશલ્ય અને સંવાદ ક્ષમતા વધારવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. નિષ્ણાતોએ ભારપૂર્વક જણાવ્યું છે કે વિદ્યાર્થીઓમાં આ પ્રકારના ભયની શરૂઆતના તબક્કે જ ઓળખ કરીને તેમને યોગ્ય કાઉન્સેલિંગ આપવામાં આવે તે સમયની માંગ છે, જેથી તેઓ ભવિષ્યમાં વધુ આત્મવિશ્વાસુ ડોક્ટર બની શકે.
