રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા ભોમેશ્વર વિસ્તારમાંથી માનવતાને શરમાવે તેવી અત્યંત ગંભીર અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં પાડોશમાં જ રહેતા એક નેપાળી દંપતીએ વિશ્વાસનો દુરુપયોગ કરી ૧૪ વર્ષની માસૂમ સગીરા પર અવારનવાર દુષ્કર્મ આચરી નરાધમતાની તમામ હદો વટાવી દીધી છે. માસૂમ દીકરીના પરિવારે ગાંધીગ્રામ પોલીસ મથકે પહોંચી સમગ્ર આપવીતી જણાવતા પોલીસે પોક્સો, અપહરણ અને બળાત્કાર સહિતની આકરી કલમો હેઠળ ગુનો નોંધી આરોપી દંપતી સામે કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મળતી વિગતો અનુસાર, મૂળ નેપાળના વતની એવા પરિવારની ૧૪ વર્ષીય સગીરા પાડોશમાં રહેતા મહેશસિંગ નેપાળી અને તેની પત્ની મંજુના ઘરે અવારનવાર આવતી-જતી હતી. ગત જુલાઈ માસ દરમિયાન સગીરાના માતા-પિતા વતન ગયા હતા, ત્યારે પત્ની મંજુએ કાવતરું ઘડી સગીરાને પોતાના ઘરે બોલાવી હતી. જ્યાં પત્નીની રૂબરૂ હાજરીમાં જ મહેશસિંગે ત્રણ વખત બળજબરીથી સગીરાનું શીયળ લૂંટ્યું હતું. આટલું ઓછું હોય તેમ, આ દંપતીએ સગીરાનું કારમાં અપહરણ કરી ચાલુ વાહને અડપલાં પણ કર્યા હતા અને તે સમયે પત્ની પાછળની સીટ પર બેસી આ સમગ્ર નિર્લજ્જ કૃત્યનો વિડીયો પોતાના મોબાઈલ ફોનમાં ઉતારી રહી હતી.
આ શરમજનક કાળો કારનામો ત્યારે સપાટી પર આવ્યો જ્યારે નરાધમ મહેશસિંગ સગીરાની પરિણીત મોટી બહેનને પણ પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો હતો. પતિના આ કૃત્યથી નારાજ થઈ રિસામણે મધ્યપ્રદેશ ગયેલી પત્ની મંજુએ બદલો લેવાના ઇરાદે સગીરાના ભાઈને તેના પતિના પાપનો વિડીયો મોકલી આપ્યો હતો. આ ચોંકાવનારો વિડીયો જોઈ પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો અને દીકરીની પૂછપરછ કરતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. હાલ પોલીસે માસૂમ સગીરાને ન્યાય અપાવવા અને ફરાર આરોપી મહેશસિંગને ઝડપી પાડવા મુંબઈ ખાતે તપાસની ટીમો રવાના કરી છે.
