અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના શાહપુર-મીરઝાપુર વિસ્તારમાં મોડી રાત્રે કાપડના એક વેપારીને નિશાન બનાવી ચાર જેટલા લૂંટારુઓએ તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો અને તેમની પાસે રહેલા રોકડા ૧૫ લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા વેપારીને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ચકચારી ઘટનાને પગલે સમગ્ર વેપારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
બનાવની વિગત અનુસાર, કાપડના વેપારી મોહમ્મદ સાજીદ શેખ રાત્રિના સુમારે પોતાની ઓફિસથી વીસીના રોકડા ૧૫ લાખ રૂપિયા લઈને ઘરે જવા નીકળ્યા હતા. તે દરમિયાન મીરઝાપુર પાસે આવેલા પ્રીમિયર શોપિંગ સેન્ટરના પાર્કિંગમાં અગાઉથી ઘાત લગાવીને બેઠેલા ચાર અજાણ્યા શખ્સોએ તેમને આંતરી લીધા હતા. લૂંટારુઓએ રૂપિયા ભરેલો થેલો આંચકી લેવા માટે વેપારીના પેટ તેમજ હાથના ભાગે ધારદાર હથિયારના ઉપરાઉપરી ઘા ઝીંકી દીધા હતા. મોડી રાત સુધી વેપારી ઘરે ન પહોંચતા પરિજનોએ શોધખોળ હાથ ધરી હતી, જેમાં તેઓ શોપિંગ સેન્ટરના પાર્કિંગમાંથી અત્યંત ગંભીર હાલતમાં મળી આવ્યા હતા.
ચોંકાવનારી બાબત એ છે કે આ સમગ્ર વારદાત પોલીસ સુરક્ષા પોઇન્ટથી માંડ ૫૦ મીટરના અંતરે અને સતત અવરજવર ધરાવતા વિસ્તારમાં બની હોવા છતાં આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. લૂંટારુઓ વેપારીની દરેક હિલચાલ અને નાણાકીય વ્યવહારથી વાકેફ હોવાથી આ ગુનામાં કોઈ પરિચિત વ્યક્તિની સંડોવણી હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. હાલ શાહપુર પોલીસે હત્યાનો પ્રયાસ અને લૂંટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને અલગ-અલગ તપાસ ટીમો બનાવી છે તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
