આજના દોડધામભર્યા જીવનમાં વારંવાર ચીડિયાપણું આવવું, રાત્રે ઊંઘ ન આવવી, અકારણ ચિંતા થવી કે યાદશક્તિ નબળી પડવી જેવી તકલીફોને મોટાભાગના લોકો સામાન્ય માનીને નજરઅંદાજ કરતા હોય છે. જોકે તબીબી દ્રષ્ટિએ આ તમામ લક્ષણો શરીરમાં થાઇરોઇડ હોર્મોનના અસંતુલનનો સંકેત હોઈ શકે છે. ગરદનના આગળના ભાગમાં પતંગિયા આકારની આવેલી થાઇરોઇડ ગ્રંથિ શરીરના ચયાપચય, ઊર્જાના સ્તર, હૃદયના ધબકારા અને તાપમાનનું સંતુલન જાળવવામાં અતિ મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે આ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા હોર્મોન્સનું પ્રમાણ ઘટે કે વધે છે, ત્યારે સમગ્ર શરીર અને મનની કાર્યપ્રણાલી પર તેની માઠી અસર પડે છે.
થાઇરોઇડની સમસ્યા મુખ્યત્વે બે પ્રકારે જોવા મળે છે. પ્રથમ હાઇપોથાઇરોઇડિઝમ, જેમાં ગ્રંથિ પૂરતા પ્રમાણમાં હોર્મોન બનાવી શકતી નથી. આ સ્થિતિમાં દર્દીને સતત થાક લાગવો, વજન વધવું, વધુ પડતી ઠંડી લાગવી, કબજિયાત અને અતિશય ઊંઘ આવવી જેવી તકલીફો થાય છે. બીજી તરફ, જ્યારે ગ્રંથિ જરૂરિયાત કરતાં વધારે હોર્મોન ઉત્પન્ન કરે ત્યારે તેને હાઇપરથાઇરોઇડિઝમ કહેવાય છે. જેમાં હૃદયના ધબકારા અનિયમિત થવા, વજન એકાએક ઘટી જવું, વધુ પરસેવો વળવો અને ગભરામણ થવી જેવા ચિહ્નો જોવા મળે છે. આ હોર્મોનલ અસંતુલન ચેતાતંત્રને પ્રભાવિત કરતું હોવાથી માનસિક તણાવ, મૂડમાં ઝડપી ફેરફારો અને ડિપ્રેશન પણ આવી શકે છે.
પુરુષોની સરખામણીએ સ્ત્રીઓમાં આ બીમારીનું જોખમ ઘણું વધારે રહે છે. ખાસ કરીને કિશોરાવસ્થા, ગર્ભાવસ્થા અને રજોનિવૃત્તિ દરમિયાન થતા શારીરિક ફેરફારો વખતે થાઇરોઇડ થવાની શક્યતા વધી જાય છે. જો શરીરમાં આવા કોઈપણ લક્ષણો જણાય તો તુરંત જ તબીબનો સંપર્ક કરી લોહીની જરૂરી તપાસ કરાવવી જોઈએ. નિદાન થયા બાદ તબીબ દ્વારા સૂચવેલી દવાઓ સમયસર લેવી અને પોતાની મેળે દવાની માત્રામાં ફેરફાર કરવો નહીં. સંતુલિત આહાર, નિયમિત કસરત અને દરરોજ પૂરતી સાતથી આઠ કલાકની ઊંઘ લેવાથી આ સમસ્યાને સરળતાથી નિયંત્રણમાં રાખી સ્વસ્થ જીવન જીવી શકાય છે.
