JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

દવાઓ લખવા માટે તબીબોને પ્રલોભનો આપતી ફાર્મા કંપનીઓ સામે તવાઈ: સુપ્રીમ કોર્ટે સમિતિ રચવા કેન્દ્રને આપ્યો આદેશ

Oct 09, 2026 | 12:33 | By JAMNAGAR MIRROR
દવાઓ લખવા માટે તબીબોને પ્રલોભનો આપતી ફાર્મા કંપનીઓ સામે તવાઈ: સુપ્રીમ કોર્ટે સમિતિ રચવા કેન્દ્રને આપ્યો આદેશ

દર્દીઓને ચોક્કસ કંપનીઓની દવાઓ લખી આપવા બદલ તબીબોને રોકડ નાણાકીય લાભ, મોંઘી ભેટ-સોગાદો, વૈભવી પ્રવાસ, આતિથ્ય અને મનોરંજન સહિતના અયોગ્ય પ્રલોભનો આપતી દવા કંપનીઓની અનૈતિક પદ્ધતિઓ સામે સર્વોચ્ચ અદાલતે કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે ફાર્માસ્યુટિકલ કંપનીઓની આવી ગેરરીતિઓ અને અનૈતિક પ્રમોશનલ પદ્ધતિઓની વ્યાપક તપાસ કરવા માટે બે અઠવાડિયાની અંદર એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે આ સમિતિએ પોતાની પ્રથમ બેઠક મળ્યાના બે મહિનાની અંદર નિયમનકારી માળખા અંગેની પોતાની ભલામણો કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરવાની રહેશે.

અદાલતમાં થયેલી સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે ફાર્મા કંપનીઓના આચરણને નિયંત્રિત કરવા માટે ત્રણ સભ્યોની સમિતિ રચવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સર્વોચ્ચ અદાલતના આદેશ અનુસાર, આ સમિતિ અરજદારો તેમજ તમામ હિતધારકો દ્વારા રજૂ કરવામાં આવેલી સામગ્રી અને પુરાવાઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરશે અને તેમને પોતાની રજૂઆત કરવાની પૂરતી તક આપશે. વધુમાં, સમિતિ જરૂર જણાય તો તબીબી, ટેકનિકલ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના નિષ્ણાતો તથા વિવિધ સંગઠનોની પણ મદદ લઈ શકશે. સમિતિનો અહેવાલ મળ્યા બાદ કેન્દ્ર સરકારે દેશમાં પારદર્શક, નૈતિક અને જવાબદાર દવા માર્કેટિંગ નીતિ સુનિશ્ચિત કરવા માટે નક્કર પગલાં ભરવાના રહેશે.

બીજી તરફ, સામાન્ય અને ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ માટે પણ કેન્દ્ર સરકારે મોટો રાહતજનક નિર્ણય લીધો છે. સરકારે તમામ બિન-સૂચિબદ્ધ કેન્સર વિરોધી દવાઓ માટે વેપારી નફાનું માર્જિન મહત્તમ છૂટક કિંમતના ૩૦ ટકા સુધી સીમિત કરવાનો નિર્ણય કર્યો છે. આ નવો નિયમ બ્રાન્ડેડ, જેનરિક, આયાતી તેમજ પેટન્ટ ધરાવતી તમામ દવાઓને સમાન રીતે લાગુ પડશે. આ નિર્ણયના અમલથી ૩૫ પેટન્ટેડ દવાઓ સહિત આશરે ૧૧૦ જેટલી કેન્સર વિરોધી દવાઓના ભાવમાં મોટો ઘટાડો થશે, જેનાથી કેન્સરના દર્દીઓને વાર્ષિક આશરે રૂપિયા ૨,૫૦૦ કરોડની જંગી રાહત મળશે. અગાઉ સર્વોચ્ચ અદાલતે પણ ચિંતા વ્યક્ત કરી હતી કે રૂપિયા ૨,૭૦૦માં વેપારીને મળતી કેન્સરની દવાની છાપેલી કિંમત રૂપિયા ૨૭,૦૦૦ રાખવામાં આવતી હતી.

LATEST ARTICLES