આણંદ શહેરની શ્રી ગણેશ આંગડિયા પેઢીમાંથી ખોટી ઓળખ આપી આશરે રૂ. ૪૫ લાખની માતબર રકમ મેળવી છેતરપિંડી આચરવાના ચકચારી ગુનાનો આણંદ ટાઉન પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ, વાહન તેમજ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૪૭.૮૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા બંને શખ્સોને સ્થાનિક અદાલતમાં રજૂ કરવામાં આવતા ન્યાયાલયે વધુ પૂછપરછ અર્થે ચાર દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ ચકચારી ઘટનાની વિગતો અનુસાર, મુંબઈના વેપારી નરેન્દ્રભાઈ મફતલાલ શાહ દ્વારા આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત ૨૯મી સપ્ટેમ્બરના રોજ અજાણ્યા શખ્સોએ આંગડિયા પેઢીમાં જઈ પોતાની ખોટી ઓળખ આપી પેઢીના સંચાલકોનો વિશ્વાસ કેળવ્યો હતો અને આશરે રૂ. ૪૫ લાખની રકમ મેળવી લીધી હતી. ત્યારબાદ આ નાણાં મૂળ માલિકને પરત આપવાને બદલે ઉચાપત કરી છેતરપિંડી આચરવામાં આવી હતી. આ બનાવ અંગે ગુનો નોંધી ઉચ્ચ પોલીસ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો.
પોલીસ ટીમે ટેકનિકલ કડીઓ અને બાતમીદારોના આધારે તપાસ તેજ બનાવી અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના બદરખા ગામના અનિલકુમાર ચમનલાલ મથવાણી તથા મૂળ ડીસાના અને હાલ વડોદરા રહેતા અમિતકુમાર શંકરલાલ ખત્રીને દબોચી લીધા હતા. તલાશી દરમિયાન તેમની પાસેથી રૂ. ૪૪.૮૨ લાખની રોકડ, એક કાર અને સાત મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ કૌભાંડમાં આંગડિયા પેઢીમાંથી સીધી રોકડ રકમ મેળવનાર શખ્સ સહિત અન્ય બે સાગરીતો હજુ ફરાર હોવાથી પોલીસે તેમને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
