સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસે ગેરકાયદે વિદેશી દારૂની હેરાફેરી અને છૂટક વેચાણ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. દસાડા પોલીસ મથકના વિસ્તારમાં આવતા વણોદ ગામે પોલીસે બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારૂ ભરેલું વાહન જપ્ત કર્યું હતું. જોકે, પોલીસ વાહનનો પીછો કરી રહી હોવાની જાણ થતાં જ બૂટલેગર દારૂ ભરેલું વાહન રસ્તા પર જ મૂકીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. પોલીસે વાહન અને દારૂ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત મુજબ, દસાડા પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે વણોદ ગામનો વિરમ રતાભાઈ ઠાકોર નામનો શખ્સ છત્રોટ તરફથી પીકઅપ વાહનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને વણોદ તરફ આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે મોડી રાત્રે વણોદ ગામના બસ સ્ટેશન નજીક નાકાબંધી કરી વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ વાહન આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલકે વાહન ભગાવી મૂક્યું હતું. પોલીસે તાત્કાલિક પીછો કરતાં આરોપી વણોદના કોઠંજી માતાજીના મંદિર પાસે વાહન મૂકીને પલાયન થઈ ગયો હતો. વાહનની તલાશી લેતાં તેમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની ૧૪૭૮ બોટલો અને બીયરના ૪૦ ટીન મળી આવ્યા હતા. પોલીસે વાહન સહિત કુલ રૂપિયા ૭.૫૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપી વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.
આ ઉપરાંત, જિલ્લામાં અન્ય બે સ્થળોએ પણ દારૂના દૂષણ સામે દરોડા પાડવામાં આવ્યા હતા. સ્થાનિક ગુના શોધ શાખાની ટીમે લખતરના આદલસર રોડ પર કાદેસર તળાવની પાળ પાસે આવેલા ઝૂંપડામાં દરોડો પાડી મહેશ ગોરધનભાઈ જખવાડિયા નામના શખ્સને રૂપિયા ૫૪ હજારથી વધુની કિંમતના ૩૮૩ નંગ વિદેશી દારૂના ચપલા સાથે ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આ જથ્થો હર્ષદ જખવાડિયા નામનો શખ્સ પેટી દીઠ રૂપિયા ૨૦૦ ભાડું આપીને સંઘરવા માટે આપી ગયો હોવાનું સામે આવ્યું હતું. ત્રીજા બનાવમાં સુરેન્દ્રનગરના રિવરફ્રન્ટ રોડ પર જાહેરમાં દારૂ વેચતા રતનપરના મનોજ વશરામભાઈ વાઘેલા નામના શખ્સને દારૂના ૧૧ ચપલા અને મોબાઈલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
