અમદાવાદના અતિ વ્યસ્ત કાલુપુર રેલવે સ્ટેશન પર નિર્દોષ મુસાફરોની દયાભાવનાનો ગેરલાભ ઉઠાવી છેતરપિંડી આચરતી એક આંતરરાજ્ય ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ટ્રેનની રાહ જોઈને બેઠેલા મુસાફરો સાથે બનાવટી વાર્તાઓ ઘડી, વિશ્વાસ કેળવી તેમની પાસેથી ઓનલાઈન નાણાં પડાવી લેતા દિલ્હીના બે રીઢા ગુનેગારોને કાલુપુર પોલીસે ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બનાવની વિગત મુજબ, મહારાષ્ટ્રમાં ઇલેક્ટ્રિકનું કામ કરતા જયપ્રકાશ તિવારી નામના મુસાફર ગત સાતમી સપ્ટેમ્બરના રોજ પોતાના વતન પરત જવા કાલુપુર રેલવે સ્ટેશને બેઠા હતા. તે દરમિયાન એક અજાણ્યા શખ્સે આવીને પોતાની વ્યથા વર્ણવી હતી કે તેના માલિકે પગાર આપ્યા વગર માર મારીને કાઢી મૂક્યો છે. ત્યારબાદ તેણે પોતાની પાસે મોટી રકમ હોવાનો ડોળ કરી ચલણી નોટો જેવા દેખાતા કાગળના બંડલ બતાવ્યા હતા અને ચા-પાણી માટે છૂટા પૈસા ન હોવાનું કહી દયા યાચી હતી. મુસાફર દયા દાખવી ચા પીવડાવવા લઈ ગયો ત્યારે અન્ય એક સાગરીત પણ પહોંચી ગયો હતો. ચા પીધા બાદ મુસાફરનું માથું ભારે થતાં આ ગઠિયાઓએ નજર ચૂકવી સોનાની ચેઇન, મોબાઇલ અને ઓનલાઇન સિત્તેર હજારથી વધુ રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી રફુચક્કર થઈ ગયા હતા.
ભોગ બનનારની ફરિયાદના આધારે પોલીસે સ્ટેશન પરિસરના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરી દિલ્હીના તનવીર અંસારી અને સંજય શર્મા નામના બંને આરોપીઓને દબોચી લીધા હતા. પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે બંને આરોપીઓ ઓનલાઈન ગેમિંગ અને જુગારની લતમાં ગળાડૂબ હતા. આ વ્યસનમાં થયેલા મોટા આર્થિક નુકસાનની ભરપાઈ કરવા માટે તેઓ આવા નવતર પેંતરા અજમાવતા હતા. આરોપીઓ અગાઉ દિલ્હીમાં પણ ચોરી અને ખિસ્સા કાપવાના ગુનામાં પકડાઈ ચૂક્યા છે. હાલ પોલીસ આ ટોળકી દ્વારા અન્ય કેટલા મુસાફરો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે તે દિશામાં સઘન તપાસ ચલાવી રહી છે.
