કેન્દ્ર સરકાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તાના યોગ્ય નિયમન અને સુરક્ષિત ઉપયોગ માટે આગામી એક મહિનાની અંદર એક વિસ્તૃત કન્સલ્ટેશન પેપર જાહેર કરવા જઈ રહી છે. આ પરામર્શ પત્ર જાહેર જનતા અને ક્ષેત્રના તજજ્ઞોના અભિપ્રાય માટે ખુલ્લો મૂકવામાં આવશે, જે ભવિષ્યમાં આ ક્ષેત્ર માટે ઘડનારા કાયદાઓનો મજબૂત પાયો બનશે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે એક કાર્યક્રમ દરમિયાન આ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય વપરાશકર્તાઓની સુરક્ષા, માનવ-કેન્દ્રીત દ્રષ્ટિકોણ, કૌશલ્ય વિકાસ અને દેશનો કોઈ પણ નાગરિક આ નવી ટેકનોલોજીથી વંચિત ન રહે તેની ખાતરી કરવાનો છે.
કૃત્રિમ બુદ્ધિમત્તાના નકારાત્મક પાસાંઓ પર પ્રકાશ પાડતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે હાલમાં ડીપફેક એક ગંભીર સામાજિક ચિંતાનો વિષય બની ગયો છે. તેની ગુણવત્તા દિવસેને દિવસે એટલી વાસ્તવિક બનતી જાય છે કે સામાન્ય નાગરિકો તેને સાચું માની લે છે, જેનાથી સમાજમાં ગેરસમજ અને ખોટા વિચારો ફેલાય છે. આ ઉપરાંત તેમણે ચેતવણી આપી હતી કે આ નવીન ટેકનોલોજીના દુરુપયોગને કારણે લોકોમાં માનસિક વિકારો અને તણાવ જેવી સમસ્યાઓ પણ પેદા થઈ રહી છે. નીતિ ઘડવૈયાઓ માટે આ ગંભીર બાબતોનું નિરાકરણ લાવવું ખૂબ જરૂરી છે અને સરકાર આ પડકારો સામે ટેકનિકલ તેમજ કાનૂની બંને સ્તરે મજબૂત ઉકેલો શોધી રહી છે.
મંત્રીશ્રીએ એ બાબત પર ખાસ ભાર મૂક્યો હતો કે આ ટેકનોલોજી સાથે સંકળાયેલા જોખમોનું સંચાલન કરવાની પ્રાથમિક જવાબદારી ઉદ્યોગ જગતે પોતે ઉઠાવવી પડશે. આ સમગ્ર માળખું સર્વસમાવેશી અને લોકશાહી ઢબે તૈયાર થવું જોઈએ જેથી સૌને સમાન તકો મળે. તેમણે નોંધ્યું હતું કે નવા સાહસો, શૈક્ષણિક સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ સુધી આ આધુનિક ટેકનોલોજી પહોંચાડવાથી સકારાત્મક પરિણામો મળ્યા છે. નાના અને મધ્યમ કદના ઉદ્યોગો આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાનો ઉત્પાદન ખર્ચ ઘટાડી શકે છે તેમજ નફામાં વૃદ્ધિ કરી શકે છે, પરંતુ તે માટે સુરક્ષાના નિયમોનું પાલન અનિવાર્ય રહેશે.
