લગ્નજીવનની ખુશીઓ લાંબો સમય ટકી શકી નહીં અને દહેજની ભૂખે એક હસતા-રમતા પરિવારમાં આગ લગાવી દીધી હોવાની ચોંકાવનારી ઘટના પંજાબના લુધિયાણા શહેરમાં પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, એક વ્યક્તિએ પોતાની પત્નીને માત્ર એટલા માટે ક્રૂરતાપૂર્વક માર માર્યો કારણ કે તે લગ્નજીવનમાં મોંઘી ગાડી અને મોટરસાઇકલ લાવી શકી ન હતી. આ અમાનવીય કૃત્ય ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું હતું, જેનો વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને ચકચાર મચી ગઈ છે.
ઘટનાની વિગતવાર માહિતી મુજબ, રિતેશ શર્મા નામના શખ્સે ગત એકવીસમી ઓક્ટોબરની રાત્રે તેની પત્ની ટ્વિંકલ પર જીવલેણ હુમલો કર્યો હતો. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પતિ દ્વારા પત્નીને વાળ પકડીને બેરહેમીથી ઢસડવામાં આવી રહી છે અને સરેઆમ થાપડો મારવામાં આવી રહ્યા છે. પીડિતાની ચીસાચીસ સાંભળીને પાડોશીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને વચ્ચે પડીને મહિલાનો જીવ બચાવ્યો હતો. આ મામલે પીડિતાએ પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે અને પુરાવા તરીકે આ સીસીટીવી ફુટેજ પણ પોલીસને સુપરત કર્યા છે.
તપાસ દરમિયાન એવું પણ બહાર આવ્યું છે કે રિતેશ અને ટ્વિંકલના લગ્ન ગત વર્ષના નવેમ્બર મહિનામાં જ થયા હતા. લગ્નના માત્ર ત્રણ જ મહિના પછી પતિ દ્વારા અવારનવાર મોટી ગાડીની માંગણી શરૂ કરવામાં આવી હતી, જેને લઈને ઘરમાં રોજિંદા ઝઘડા થતા હતા. અગાઉ પણ સમાધાનના પ્રયાસો થયા હતા છતાં આરોપીની લાલસા ઓછી થઈ ન હતી અને તાજેતરમાં તેણે મોટરસાઇકલની માંગણી કરી હતી. આ બાબતે ઉગ્ર બોલાચાલી થતા પરિસ્થિતિ વણસી હતી અને આજીજી કરતી પત્નીએ જીવ બચાવવા માટે પડોશીના ઘરે આશરો લેવો પડ્યો હતો. પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
