JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સ્પોર્ટ્સ

એશિયન ગેમ્સમાં ભારતના નિરાશાજનક પ્રદર્શન બાદ રમત મંત્રાલય કડક: ૧૩ ઓક્ટોબરે ફેડરેશનો સાથે યોજાશે સમીક્ષા બેઠક

Oct 08, 2026 | 21:43 | By JAMNAGAR MIRROR
એશિયન ગેમ્સમાં ભારતના નિરાશાજનક પ્રદર્શન બાદ રમત મંત્રાલય કડક: ૧૩ ઓક્ટોબરે ફેડરેશનો સાથે યોજાશે સમીક્ષા બેઠક

જાપાનના આઈચી-નાગોયા ખાતે યોજાયેલી ૨૦૨૬ની એશિયન ગેમ્સની પૂર્ણાહુતિ બાદ ભારતીય રમતવીરોના પ્રદર્શનને લઈને રમતગમત મંત્રાલય દ્વારા ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ સ્પર્ધામાં ગત વખતના રેકોર્ડને તોડવાના આશય સાથે ભારતે લગભગ ૫૦૦ જેટલા ખેલાડીઓનું વિશાળ દળ મેદાનમાં ઉતાર્યું હતું. જોકે, અગાઉના ૧૦૬ મેડલના ઐતિહાસિક પ્રદર્શનની સરખામણીએ આ વખતે ભારત માત્ર ૮૫ મેડલ જ પોતાના નામે કરી શક્યું છે, જેમાં ૨૧ ગોલ્ડ મેડલ સામેલ છે. એટલું જ નહીં, ભારતીય ખેલાડીઓ સાત રમતોમાં પોતાના અગાઉના સુવર્ણ પદકોનો બચાવ કરવામાં પણ સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે.

બેડમિન્ટન, શૂટિંગ અને એથ્લેટિક્સ જેવી મુખ્ય રમતોમાં અનુભવી ખેલાડીઓનું કંગાળ પ્રદર્શન આ પીછેહઠનું મુખ્ય કારણ માનવામાં આવે છે. આ સ્થિતિને પગલે હવે રમતગમત મંત્રાલય તમામ રમતગમત ફેડરેશનોનો કડક ક્લાસ લેવાની તૈયારીમાં છે. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં આગામી ૧૩ ઓક્ટોબરના રોજ તમામ સ્પોર્ટ્સ ફેડરેશનોના વડાઓ સાથે એક દિવસીય ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં જે રમતોમાં અપેક્ષા અનુસાર પરિણામ મળ્યું નથી, તેના ટેકનિકલ અને પ્રશાસનિક પાસાઓની ગંભીર ચર્ચા કરવામાં આવશે.

આ ઉપરાંત, સરકાર દ્વારા એથ્લેટ્સને આપવામાં આવતી નાણાકીય સહાયની પણ આકરી સમીક્ષા હાથ ધરાશે. ખાસ કરીને ‘ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ યોજના’ હેઠળ સરકારી ખર્ચે શ્રેષ્ઠ તાલીમ મેળવનારા ૮૯ જેટલા અનુભવી ખેલાડીઓ ૨૩ અલગ-અલગ રમતોમાં એકપણ મેડલ જીતી શક્યા નથી. સરકારનું માનવું છે કે કેટલીક રમતોમાં કરાયેલું ભારે રોકાણ પરિણામોમાં પરિવર્તિત થઈ રહ્યું નથી. જોકે, આ નિરાશા વચ્ચે એક આશાસ્પદ બાબત એ રહી કે પહેલીવાર આ સ્પર્ધામાં ઉતરેલા ૩૧૦ યુવા ખેલાડીઓએ ૪૧ મેડલ જીતીને શાનદાર ક્ષમતા દર્શાવી છે, જેને મંત્રાલયે ભારતીય રમતોના ભવિષ્ય માટે શુભ સંકેત ગણાવ્યો છે.

LATEST ARTICLES