અમદાવાદ ખાતે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની અંડર-૧૯ બીજી યુવા ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કરીને પ્રવાસી કાંગારૂ ટીમને ૧૦ વિકેટથી કારમો પરાજય આપ્યો છે. આ શાનદાર વિજય સાથે જ યજમાન ભારતીય ટીમે ટેસ્ટ શ્રેણી પણ પોતાના નામે કરી લીધી છે. ભારતીય બોલરોના તરખાટ સામે ઓસ્ટ્રેલિયાની ટીમ બંને દાવમાં લાચાર નજરે પડી હતી અને ભારતે મેચના અંતિમ તબક્કામાં કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના ૧૧ રનનો મામૂલી ટાર્ગેટ આસાનીથી હાંસલ કરી લીધો હતો.
ભારતીય ટીમની આ ઐતિહાસિક જીતનો અસલી હીરો ડાબોડી સ્પિન બોલર તન્મય બલોદા રહ્યો હતો, જેણે પોતાના ઘાતક સ્પેલથી ઓસ્ટ્રેલિયન બેટિંગ લાઇન-અપના ફુરચેફુરચા ઉડાવી દીધા હતા. તન્મયે પ્રથમ દાવમાં ઉત્કૃષ્ટ બોલિંગનું પ્રદર્શન કરતાં ૬ વિકેટ ઝડપી હતી, જેના કારણે કાંગારૂ ટીમ પ્રથમ દાવમાં માત્ર ૧૭૪ રન બનાવીને પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. પ્રથમ દાવમાં મજબૂત પ્રદર્શનના આધારે ભારતીય ટીમે ૧૪૧ રનની વિશાળ લીડ મેળવીને મેચ પર પોતાની પકડ મજબૂત કરી લીધી હતી.
બીજા દાવમાં પણ તન્મય બલોદાનો જાદુ યથાવત રહ્યો હતો અને તેણે ઓસ્ટ્રેલિયાના ટોચના સાત બેટ્સમેનો સહિત કુલ ૮ વિકેટ માત્ર ૪૧ રન આપીને ખેરવી નાખી હતી. પરિણામે મુલાકાતી ટીમ બીજી ઇનિંગ્સમાં પણ ૧૫૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. એક જ મેચમાં કુલ ૧૪ વિકેટ ઝડપીને તન્મય બલોદાએ યુવા ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઉત્કૃષ્ટ બોલિંગ કરવાનો નવો વિશ્વવિક્રમ સ્થાપિત કર્યો છે. આ અગાઉ ન્યૂઝીલેન્ડના ટિમ સાઉદીએ વર્ષ ૨૦૦૭માં ૧૨ વિકેટ લઈને આ વિક્રમ બનાવ્યો હતો. અસાધારણ પ્રદર્શન બદલ તન્મયને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
