JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
શિક્ષણ

ગાંધીનગરમાં રાજ્ય શાળા સંચાલક મહામંડળની મહત્વપૂર્ણ બેઠક સંપન્ન: ફી નિયમન અને ભરતી સહિતના પ્રશ્નો છ માસમાં ઉકેલવાની ખાતરી

Oct 08, 2026 | 03:41 | By JAMNAGAR MIRROR
ગાંધીનગરમાં રાજ્ય શાળા સંચાલક મહામંડળની મહત્વપૂર્ણ બેઠક સંપન્ન: ફી નિયમન અને ભરતી સહિતના પ્રશ્નો છ માસમાં ઉકેલવાની ખાતરી

ગાંધીનગર ખાતે રાજ્ય શાળા સંચાલક મહામંડળ, ગુજરાત પ્રદેશની રાજ્ય કારોબારી અને સંસદની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાજ્યકક્ષાની બેઠકમાં સમગ્ર રાજ્યના ૨૬ જેટલા જિલ્લાઓમાંથી આશરે ૨૫૭ જેટલા શાળા સંચાલકો અને શિક્ષણ જગતના પ્રતિનિધિઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ વ્યવસ્થામાં પ્રવર્તતા વિવિધ પ્રશ્નો, વહીવટી મુશ્કેલીઓ તેમજ સરકારી નીતિ-નિયમોના અમલીકરણ સંદર્ભે સંચાલકો દ્વારા ઊંડાણપૂર્વક વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. બેઠકના પ્રારંભે વડોદરાના મહામંત્રી આર.સી. પટેલે ઉપસ્થિત તમામ અગ્રણીઓ અને શાળા સંચાલકોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

આ બેઠકમાં રાજ્ય પ્રમુખ શંકરસિંહ રાણા અને અધ્યક્ષ ભાસ્કર પટેલ સહિત સંગઠનના વિવિધ ઉપપ્રમુખો, મહામંત્રીઓ અને રાજ્ય કક્ષાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અગ્રણી પ્રિયવદન કોરાટે સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે રાજ્યની શાળાઓ અત્યારે અનેક વહીવટી પડકારોનો સામનો કરી રહી છે, તેથી સરકારે સંચાલકોની કાયદેસરની સમસ્યાઓનો અગ્રતાના ધોરણે ઉકેલ લાવવો અનિવાર્ય છે. સભામાં મુખ્યત્વે શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે કે એસએમસીની રચના, શાળાઓ માટેના ફાયર સેફ્ટીના નિયમોનું સરળીકરણ, સ્વનિર્ભર શાળાઓ માટે ફી નિયમન સમિતિ એટલે કે એફઆરસીની ગૂંચવણો તેમજ શાળાઓમાં લાંબા સમયથી અટવાયેલી શૈક્ષણિક સ્ટાફની સમયસર ભરતી જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

શાળા સંચાલકો દ્વારા રજૂ કરવામાં આવેલા તમામ પ્રશ્નોને ગંભીરતાથી સાંભળ્યા બાદ રાજ્ય પ્રમુખ શંકરસિંહ રાણાએ હકારાત્મક વલણ દાખવી ખાતરી આપી હતી કે આગામી છ માસની અંદર આ તમામ પડતર પ્રશ્નોનું સરકાર સમક્ષ યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે. આ મહત્વની બેઠકમાં મહીસાગર જિલ્લાના પ્રતિનિધિઓ એસ.કે. પટેલ, કનુભાઈ પટેલ, નરેન્દ્રસિંહ સિસોદિયા અને મહેન્દ્રભાઈ વી. પટેલ સહિત રાજ્યભરના અન્ય હોદ્દેદારોએ પણ ઉપસ્થિત રહી પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. સમગ્ર બેઠકના અંતે શિક્ષણના હિતમાં એકતા જાળવીને આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

LATEST ARTICLES