કરજણ તાલુકાના નવી જીથરડી ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા નિર્દોષ ભૂલકાંઓ પાસે શાળાના મેદાનની સાફ-સફાઈ કરાવવામાં આવતી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. શાળા સમય દરમિયાન વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવાના બદલે હાથમાં સાવરણા પકડી કચરો વાળતા નજરે પડતાં ગ્રામજનો અને વાલીઓમાં શાળા પ્રશાસન સામે ઉગ્ર રોષની લાગણી ફેલાઈ ગઈ છે.
સમગ્ર ઘટનાની વિગત મુજબ, રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ ક્ષેત્રના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આધુનિક સુવિધાઓ સાથે વિશાળ શાળાઓ બનાવવામાં આવી છે. તેમ છતાં કરજણના નવી જીથરડી ગામની શાળામાં શિક્ષકો બાળકોના હાથમાં પુસ્તકો આપવાના બદલે શાળા પરિસર અને રમતના મેદાનને સાફ કરવાની ફરજ પાડી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ગામના જાગૃત સરપંચ વિનયભાઈ ભગતના ધ્યાને આ બાબત આવતાં તેમણે શાળાના આચાર્ય અને સ્ટાફ સમક્ષ આ ગંભીર બેદરકારી અંગે અગાઉ પણ વારંવાર રજૂઆતો કરી હતી.
જોકે, સરપંચ અને ગ્રામજનોની વારંવારની રજૂઆતો છતાં શાળાના જવાબદાર સંચાલકો કે શિક્ષકોના વલણમાં કોઈ સુધારો થયો નહોતો અને બાળકો પાસે સાફ-સફાઈ કરાવવાની પ્રવૃત્તિ ચાલુ જ રાખવામાં આવી હતી. સ્થાનિક સ્તરે કોઈ યોગ્ય ઉકેલ ન આવતાં આખરે સરપંચે આ મામલે ગાંધીનગર ખાતે સીધા રાજ્યના શિક્ષણ મંત્રી સમક્ષ આધાર-પુરાવા સાથે લેખિત રજૂઆત કરવાનો મક્કમ નિર્ણય કર્યો છે.
આ સંવેદનશીલ વીડિયો વાયરલ થયા બાદ શિક્ષણ આલમમાં પણ ખળભળાટ મચી ગયો છે. સામાન્ય પરિવારોમાંથી આવતા બાળકોના શિક્ષણના ભોગે તેમની પાસે શ્રમકાર્ય કરાવનારા જવાબદાર શિક્ષકો સામે શિક્ષણ વિભાગ દ્વારા તપાસના આદેશ આપીને કેવા પ્રકારના કડક શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે છે તેના પર હવે સૌ ગ્રામજનોની નજર ટકેલી છે.
