પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં પાનમ સિંચાઈ યોજના તંત્રની ઘોર ઉપેક્ષા સામે આવી છે. કાલોલ પંથકના પિંગળી અને સાગાના મુવાડા ગામ પાસેથી પસાર થતી પાનમ સિંચાઈ વિભાગની ૩૭-આર કેનાલમાં ચોમાસાની ઋતુ પૂર્ણ થયા બાદ લાંબા સમયથી પાણી છોડવામાં આવ્યું નથી. એક તરફ મુખ્ય ડેમમાં પર્યાપ્ત માત્રામાં પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં પેટા કેનાલમાં પાણી ન છોડાતા સ્થાનિક ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. તંત્ર દ્વારા કેનાલની યોગ્ય સાફ-સફાઈ પણ કરવામાં ન આવતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
વિગતો અનુસાર કાલોલ પંથકના પિંગળી, રાજપુર, બોડીદ્રા તેમજ સાગાના મુવાડા સહિતના આસપાસના ગામોમાં ખેડૂતો દ્વારા અંદાજે ૨૦૦ થી ૨૫૦ હેક્ટર જમીનમાં ડાંગરનું મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું છે. હાલના તબક્કે ડાંગરનો પાક તૈયાર થવાના આરે પહોંચ્યો છે, પરંતુ છેલ્લા એકાદ મહિનાથી વિસ્તારમાં પાછોતરો વરસાદ ખેંચાતા ઊભા પાકને જીવતદાન આપવા માટે તાત્કાલિક પિયતના પાણીની જરૂરિયાત ઊભી થઈ છે. આ સમગ્ર કૃષિ વિસ્તાર પાનમ સિંચાઇ યોજનાની ૩૭-આર કેનાલ હેઠળ આવરી લેવાયેલો હોવા છતાં નિયામકોની ઉદાસીનતાના કારણે ખેડૂતો લાચાર બન્યા છે.
સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, આ કેનાલમાં છેલ્લે ગત દિવાળીના તહેવાર બાદ પાણી આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આજદિન સુધી કેનાલમાં પાણી છોડાયું નથી કે નથી કોઈ સફાઈ કામગીરી હાથ ધરાઈ. વર્તમાન સમયમાં વધતી જતી મોંઘવારી વચ્ચે ડાંગરની ખેતીમાં પ્રતિ વીઘા આશરે ૧૫ થી ૨૦ હજાર રૂપિયા જેટલો જંગી ખર્ચ થાય છે. તંત્રની નિષ્કાળજીને લીધે ખેડૂતોનો આ ખર્ચ તથા આખા વર્ષની કાળી મજૂરી એળે જવાની આશંકા છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને ખેડૂતોએ મુખ્ય કેનાલમાંથી ૩૭-આર શાખામાં તાત્કાલિક ધોરણે પાણી છોડવા તેમજ કેનાલની સાફ-સફાઈ કરાવવા ઉગ્ર માંગણી કરી છે.
