નર્મદા જિલ્લામાં કપાસ પકવતા ધરતીપુત્રોની હાલત અત્યંત કફોડી બની છે. સમગ્ર જિલ્લામાં કપાસનો પાક તૈયાર થઈને બજારમાં આવવા લાગ્યો છે, તેવા નિર્ણાયક સમયે જ ખેડૂતો ભારે આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. નર્મદા જિલ્લાના છ તાલુકાઓમાં મુખ્ય રોકડિયા પાક તરીકે કપાસનું મોટા પાયે વાવેતર કરવામાં આવે છે. જોકે, જિલ્લામાં આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ એટલે કે એપીએમસી દ્વારા હજુ સુધી કપાસની સત્તાવાર ખરીદી શરૂ કરવામાં આવી નથી, જેના કારણે ખેડૂતોને પોતાના પરસેવાનું યોગ્ય વળતર મેળવવા માટે દર-દર ભટકવું પડી રહ્યું છે.
જિલ્લાના મુખ્ય માર્કેટ યાર્ડો બંધ હાલતમાં અથવા માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહેતાં તેનો સીધો ગેરલાભ ખાનગી વેપારીઓ ઉઠાવી રહ્યા છે. વેપારીઓ ખેડૂતોની લાચારીનો ફાયદો ઉઠાવીને નીચા ભાવે કપાસ ખરીદી રહ્યા છે. રાજ્યના વિવિધ બજારોમાં કપાસનો સરેરાશ બજાર ભાવ પ્રતિ ક્વિન્ટલ આશરે આઠ હજાર રૂપિયાથી વધુ નોંધાઈ રહ્યો છે, જ્યારે નર્મદા જિલ્લાના ખેડૂતોને સ્થાનિક વેપારીઓ દ્વારા માંડ સાત હજારથી સાડા સાત હજાર રૂપિયા જ ચૂકવવામાં આવી રહ્યા છે. ક્વિન્ટલ દીઠ મળતા આ અત્યંત નીચા ભાવને કારણે ખેડૂતો સાથે ખુલ્લેઆમ અન્યાય અને છેતરપિંડી થઈ રહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.
ચાલુ વર્ષે મોંઘાદાટ બિયારણો, રાસાયણિક ખાતરો અને મોંઘી જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીને ખેડૂતોએ રાત-દિવસ એક કરી પાક તૈયાર કર્યો હતો. ખેતી ખર્ચમાં થયેલા તોતિંગ વધારા સામે યોગ્ય પોષણક્ષમ ભાવ ન મળતાં જગતનો તાત હવે દેવાના ડુંગર નીચે દબાઈ રહ્યો છે. ખેડૂત આલમમાં આ સ્થિતિને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક ખેડૂતો દ્વારા ઉગ્ર માંગણી કરવામાં આવી રહી છે કે રાજપીપળા, ગરૂડેશ્વર, દેડિયાપાડા તેમજ સેલંબા ખાતે આવેલી તમામ બજાર સમિતિઓમાં વિલંબ કર્યા વિના તાત્કાલિક કપાસની ખરીદી શરૂ કરવામાં આવે. જો વહીવટી તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરીને ખેડૂતોને યોગ્ય ભાવ અપાવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ કથળશે અને આંદોલનનો માર્ગ અપનાવવાની નોબત આવશે.
