બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને તેના પરિવારે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મોટું રિયલ એસ્ટેટ રોકાણ કર્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અનુષ્કા શર્મા અને તેના પરિવારે મુંબઈના પોશ ગણાતા વર્સોવા વિસ્તારમાં આવેલા ગોદરેજ સ્કાયશોર પ્રોજેક્ટમાં એક જ માળ પર ત્રણ વૈભવી એપાર્ટમેન્ટની ખરીદી કરી છે. આ આલીશાન મિલકતોનો સંયુક્ત સોદો આશરે ૪૪.૧ કરોડ રૂપિયામાં થયો હોવાનું સામે આવ્યું છે. આ મોટા સોદાને પગલે સિનેમા જગત તેમજ રિયલ એસ્ટેટ બજારમાં ભારે ચર્ચા જાગી છે.
દસ્તાવેજી વિગતો મુજબ, આ મિલકતોની ખરીદી સુવ્યવસ્થિત રીતે કરવામાં આવી છે. જેમાં સૌપ્રથમ અનુષ્કા શર્માએ પોતાના નામે એક ફ્લેટ ખરીદ્યો હતો, જ્યારે તેની બરાબર બાજુમાં આવેલો બીજો યુનિટ તેના માતા-પિતા દ્વારા ખરીદવામાં આવ્યો હતો. ત્યારપછી અનુષ્કા શર્મા અને તેના ક્રિકેટર પતિ વિરાટ કોહલીએ સંયુક્ત નામે આ જ માળ પર ત્રીજો ફ્લેટ ખરીદ્યો હતો. પરિવારજનો એકબીજાની નિકટ રહી શકે અને પારિવારિક ગોપનીયતા જળવાઈ રહે તેવા હેતુથી આખો માળ કવર કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા અગાઉ પણ રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટું મૂડીરોકાણ કરી ચૂક્યા છે. મુંબઈ નજીક આવેલા જાણીતા પર્યટન સ્થળ અલીબાગ ખાતે પણ આ દંપતીએ અગાઉ આશરે ૩૭.૮૬ કરોડ રૂપિયાના ખર્ચે વિશાળ જમીન ખરીદી હતી. વર્સોવાનો આ નવો પ્રોજેક્ટ સમુદ્ર કિનારાના નયનરમ્ય નજારા અને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હોવાથી સેલિબ્રિટીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
આ સ્ટાર દંપતી દ્વારા કરવામાં આવેલા કરોડો રૂપિયાના રોકાણથી સ્પષ્ટ થાય છે કે તેઓ લાંબા ગાળાની સંપત્તિ નિર્માણ માટે પ્રીમિયમ રિયલ એસ્ટેટને ઉત્તમ વિકલ્પ માને છે. પશ્ચિમી ઉપનગરમાં આવેલો વર્સોવા વિસ્તાર ફિલ્મ ઉદ્યોગના કલાકારોની પ્રથમ પસંદગી રહ્યો છે. અનુષ્કા અને તેના પરિવાર દ્વારા ખરીદવામાં આવેલા આ ત્રણ ઘરો તેમની આધુનિક અને વૈભવી જીવનશૈલીને નવી ઊંચાઈ આપશે.
