હિન્દી સિનેમાના જાણીતા હાસ્ય કલાકાર રાજપાલ યાદવની મુશ્કેલીઓમાં ફરી એકવાર વધારો થયો છે. બે કરોડ રૂપિયાના ચેક બાઉન્સ સાથે સંકળાયેલા એક જૂના કેસમાં સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સામાન્ય રીતે અદાલતોમાં અત્યંત ગંભીર અને ચિંતાજનક માહોલ જોવા મળતો હોય છે, પરંતુ આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં એક રસપ્રદ અને હળવી ક્ષણ સર્જાઈ હતી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત સમક્ષ ચાલી રહેલી દલીલો વચ્ચે અદાલતી કાર્યવાહી દરમિયાન હાસ્યનું મોજું ફરી વળ્યું હતું અને કોર્ટ રૂમનું વાતાવરણ ક્ષણભર માટે હળવું બની ગયું હતું.
સુનાવણી દરમિયાન અભિનેતા રાજપાલ યાદવે પોતાની આર્થિક મુશ્કેલીઓની રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, તેમની ફિલ્મ 'અતા પતા લાપતા' બોક્સ ઓફિસ પર નિષ્ફળ જવાના કારણે તેમને આશરે ૨૦૦ થી ૨૫૦ કરોડ રૂપિયાનું મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું અને તેના નિર્માતા પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આ વાત સાંભળીને મુખ્ય ન્યાયાધીશે હળવી ચપટી લેતા કહ્યું હતું કે, જેવી રીતે તમારી ફિલ્મ 'અતા પતા લાપતા' હતી, તેવી જ રીતે તમારા પૈસા પણ ક્યાંક ગાયબ થઈ ગયા લાગે છે. આટલું જ નહીં, તેમણે મજાકના અંદાજમાં એવી સલાહ પણ આપી કે તમે ફરી કોઈ સારી ફિલ્મ બનાવી લોકોનું મનોરંજન કરો અને અદાલતમાં દલીલો કરતા વકીલો પણ સારા કલાકાર હોવાથી તેમને ફિલ્મમાં અભિનયની તક આપી શકો છો.
જોકે, આ હળવી પળોની વચ્ચે સર્વોચ્ચ અદાલતે કાયદાકીય પ્રક્રિયામાં કોઈ બાંધછોડ કરી ન હતી. સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને આગામી ૧૩ ઓક્ટોબર સુધીમાં ફરિયાદી પક્ષને બાકી રહેતી બે કરોડ રૂપિયાની લેણી રકમ જમા કરાવવા આદેશ આપ્યો છે. અદાલતે સ્પષ્ટ ચેતવણી આપી છે કે સમગ્ર રકમ ચૂકવાઈ ગયા પછી જ વડી અદાલતના આદેશ સામેની તેમની અરજી પર વિચારણા કરવામાં આવશે. સુનાવણી વેળાએ રાજપાલ યાદવ વ્યક્તિગત રીતે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ૧.૧૫ કરોડ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ કોર્ટમાં સોંપ્યો હતો, જ્યારે બાકી રહેતા ૮૫ લાખ રૂપિયા તેમની મિલકતના ખરીદદાર મારફતે નિયત તારીખ સુધીમાં ચૂકવી દેવામાં આવશે તેવી બાંહેધરી આપી છે.
