સોશિયલ મીડિયા પર અવારનવાર અનોખી પ્રતિભા ધરાવતા વીડિયો વાયરલ થતા હોય છે, જે લોકોના દિલ જીતી લે છે. હાલમાં અરુણાચલ પ્રદેશના લોંગડિંગ જિલ્લાના વાનુ ગામની ત્રણ નાની બહેનોનો આવો જ એક મનમોહક વીડિયો ઈન્ટરનેટ પર ભારે ધૂમ મચાવી રહ્યો છે. આ ત્રણેય બાળકીઓએ સુંદર પહાડો અને લીલોતરી વચ્ચે બેસીને ‘પતિ પત્ની ઔર વો’ ફિલ્મનું સુપ્રસિદ્ધ ગીત ‘એક તૂ હી યાર મેરા’ પોતાના મધુર અવાજમાં ગાયું છે.
વીડિયોમાં એક બહેન નાના સ્પીકર પર ઓરિજિનલ ટ્રેક વગાડે છે, જ્યારે બાકીની બંને બહેનો તેની સાથે સૂર મિલાવે છે. તેમની ગાયકી, પરસ્પર તાલમેલ અને ચહેરા પરની માસૂમિયતે નેટિઝન્સને મંત્રમુગ્ધ કરી દીધા છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 1.5 કરોડથી પણ વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.
આ બાળકીઓની અદભુત પ્રતિભા એટલી પ્રભાવશાળી છે કે બોલિવૂડની ખ્યાતનામ સિંગર નેહા કક્કડ અને કનિકા કપૂરે પણ વીડિયો લાઈક કરીને તેમના વખાણ કર્યા છે. આ બહેનો આ પહેલાં ‘સુભાન અલ્લાહ’ સહિત અનેક લોકપ્રિય ગીતો પોતાના અંદાજમાં ગાઈ ચૂકી છે. કોઈ મોટા પ્રોડક્શન કે સેટઅપ વગર ફક્ત સાચી કળા અને કુદરતી વાતાવરણમાં શૂટ થયેલો આ વીડિયો સાબિત કરે છે કે ટેલેન્ટ કોઈ સાધનોનું મોહતાજ નથી હોતું.
