JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

અમદાવાદના થલતેજ વિસ્તારમાં સિગારેટ લાવવા બાબતે બોલાચાલીમાં એએમસીના કર્મચારીની હત્યા

અમદાવાદના થલતેજ વિસ્તારમાં સિગારેટ લાવવા બાબતે બોલાચાલીમાં એએમસીના કર્મચારીની હત્યા
અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા ઓડા આવાસ મકાનમાં સગીર પુત્ર પાસે સિગારેટ મંગાવવાની બાબતે થયેલી તકરારમાં એએમસીના કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. આ મામલે પોલીસે મૃતકના જ ૧૯ વર્ષીય સગા યુવકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અમદાવાદના બોડકદેવ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા થલતેજ વિસ્તારના માલવ તળાવ પાસેના ઓડા આવાસ મકાનમાં શુક્રવારે રાત્રે આઘાતજનક ઘટના બની હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, એએમસીના ૪૦ વર્ષીય કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી કાનુ જ્યારે પોતાના ઘરે હાજર હતા, ત્યારે તેમનો ૧૯ વર્ષીય સગા ધ્રુવ મકવાણા ત્યાં આવ્યો હતો. ધ્રુવનો ભાઈ તે જ આવાસ સંકુલમાં રહેતો હોવાથી તેનું અવારનવાર ત્યાં આવવાનું જવાનું રહેતું હતું. આ દરમિયાન આરોપી ધ્રુવે કાનુના સગીર પુત્રને બોલાવીને નજીકની દુકાનેથી સિગારેટ અને બીડી ખરીદી લાવવા માટે કહ્યું હતું. આ વાત પિતા કાનુએ સાંભળી લીધી હતી અને તેમણે સગીર બાળક પાસે સિગારેટ મંગાવવા સામે વાંધો વ્યક્ત કર્યો હતો.

પિતાએ સગીર પાસે સિગારેટ મંગાવવાની વાતનો વિરોધ કરતા મામલો ઉગ્ર બન્યો હતો અને બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. આ સામાન્ય બોલાચાલી એટલી હદે વધી ગઈ કે આરોપી ધ્રુવ ગુસ્સામાં આપાતપોઈ ખો બેઠો અને તેણે કાનુને થપ્પડ મારી દીધી. તેના જવાબમાં કાનુએ પણ પ્રતિક્રિયા આપી હતી, જેનાથી ઉશ્કેરાઈને આરોપીએ પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢી લીધી હતી. ધ્રુવે આવેશમાં આવીને કાનુના ડાબા સાથળના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે કાનુ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા અને લોહીલુહાણ થઈને જમીન પર ફસડાઈ પડ્યા હતા.

ઘટના સમયે ઘરની અંદર રસોઈ બનાવી રહેલા કાનુના પત્ની મીનાબેન બૂમાબૂમ સાંભળીને તાત્કાલિક નીચે દોડી આવ્યા હતા. આસપાસના સ્થાનિક રહેવાસીઓ પણ એકત્રિત થઈ ગયા હતા, પરંતુ હુમલો કર્યા બાદ આરોપી તકનો લાભ લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘાયલ કાનુને તાત્કાલિક સારવાર અર્થ સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે મૃતકની પત્ની મીનાબેન કાનુ દ્વારા શનિવાર વહેલી સવારે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બોડકદેવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી. ખંભાળિયાએ જણાવ્યું હતું કે, મુખ્ય આરોપી ધ્રુવ મકવાણાની મોડી રાત્રે જ ધરપકડ કરી લેવામાં આવી છે અને આ હત્યા પાછળના ચોક્કસ ક્રમ તથા કારણોની વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES