અમદાવાદની એક સાયકલ ભાડે આપતી કંપનીમાં મોટું નાણાકીય કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. કંપનીના એક ક્લસ્ટર મેનેજરે છેલ્લા અંદાજે ત્રણ વર્ષ દરમિયાન ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવતી રકમ કંપનીના અધિકૃત પેમેન્ટ સિસ્ટમમાં જમા કરાવવાને બદલે રોકડ અને ઓનલાઇન વ્યવહારો દ્વારા સીધી પોતાના અને પોતાના સંબંધીઓ તથા પરિચિતોના અંગત બેંક ખાતામાં જમા કરાવીને આશરે ૨૦ લાખ રૂપિયાની ઉચાપત કરી હતી. આ કૌભાંડમાં તેણે પોતાના જ બે તાબેદારોને સાથીદાર બનાવ્યા હતા અને આ ગેરરીતિમાં સાથ આપવા માટે તેમને દર મહિને ૧૦,૦૦૦ રૂપિયા ચૂકવતો હોવાનું પણ તપાસમાં ખૂલ્યું છે. આ મામલે કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી દ્વારા ગત શુક્રવારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ કર્મચારીઓ અને એક હબ ઓપરેટર સામે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ કૌભાંડનો પર્દાફાશ ચાલુ વર્ષના ઓક્ટોબર મહિનામાં થયો, જ્યારે એક ગ્રાહકે કંપનીની સપોર્ટ ટીમ સમક્ષ ફરિયાદ કરી કે એક કર્મચારી દ્વારા તેમની પાસેથી ખોટી રકમ વસૂલવામાં આવી છે. ગ્રાહકે ૧,૨૯૦ રૂપિયા અને ૬૯.૩૬ રૂપિયાના બે વ્યવહારોના સ્ક્રીનશોર્ટ શેર કર્યા હતા, જેમાં ૬૯.૩૬ રૂપિયા કંપનીના ખાતામાં જમા થયા હતા પરંતુ ૧,૨૯૦ રૂપિયાની રકમ કોઈ અન્યના અંગત ખાતામાં ગઈ હતી. જ્યારે આ અંગે પૂછપરછ કરવામાં આવી ત્યારે હબ ઓપરેટરે સ્વીકાર્યું કે તેણે ગ્રાહકને પોતાનો પર્સનલ ક્યુઆર કોડ આપીને તે રકમ પોતાના બેંક ખાતામાં મંગાવી લીધી હતી. કંપની દ્વારા આંતરિક તપાસ હાથ ધરવામાં આવતાં બે અન્ય કર્મચારીઓએ જણાવ્યું કે તેઓ મેનેજરની સૂચનાથી છેલ્લા એક વર્ષથી ગ્રાહકોના નાણાં વળાવી રહ્યા હતા, જેમાં રોકડ રકમ સીધી મેનેજરને અપાતી અને ઓનલાઇન નાણાં મેનેજર દ્વારા પૂરા પાડવામાં આવેલા ક્યુઆર કોડ પર જમા થતાં હતાં.
કંપનીની આંતરિક તપાસમાં અંદાજ લગાવવામાં આવ્યો કે આ રીતે કુલ ૨૦ લાખ રૂપિયા જેટલી માતબર રકમ ડાયવર્ટ કરવામાં આવી છે. મેનેજરની પૂછપરછ કરવામાં આવતાં તેણે સ્વીકાર્યું કે તેણે જ પોતાના તાબેદારોને અંગત ક્યુઆર કોડ અને ખાતાઓમાં ઓનલાઇન પેમેન્ટ લેવા તેમજ રોકડ પોતાની પાસે જમા કરાવવા માટે નિર્દેશ આપ્યો હતો. આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ કંપની દ્વારા ગત ૨૨ ઓક્ટોબરના રોજ મુખ્ય આરોપી મેનેજરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો અને પોલીસે આ ગંભીર નાણાકીય ગોટાળા અંગે આગળની કાનૂની તપાસ શરૂ કરી છે.
