રાજ્યભરની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી કરવા માટે રાજ્ય સરકારે વિદ્યાસહાયકોની વ્યાપક ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. આ અંતર્ગત ગત ૧ એપ્રિલના રોજ જાહેરાત બહાર પાડવામાં આવી હતી અને ઓનલાઈન અરજીઓ મંગાવાયા બાદ ૧૪ સપ્ટેમ્બરે મેરીટ યાદી જાહેર કરવામાં આવી હતી. વિવિધ તબક્કાની પ્રક્રિયા અને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના હસ્તે ભલામણ પત્ર એનાયત થયા બાદ, રાજ્યભરમાં ૨૧ નવેમ્બરથી જિલ્લા કક્ષાએ શાળા પસંદગીના કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે સુરેન્દ્રનગરમાં પણ વિશેષ આયોજન કરાયું હતું.
સુરેન્દ્રનગર શહેરની દયામયી માતા ઇંગ્લિશ સ્કુલ ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ અને જિલ્લા શિક્ષણ સમીતીના સંયુક્ત ઉપક્રમે શુક્રવારે આ ભરતી કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં હાલ પ્રાથમિક શાળાઓમાં ૪૫૦ કરતાં વધુ જગ્યાઓ ખાલી છે, જેમાંથી શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૧ થી ૫ ની ૨૮૦ ખાલી જગ્યાઓની યાદી તૈયાર કરાઈ હતી. આ કેમ્પમાં ભાગ લેવા માટે વહેલી સવારથી જ સુરેન્દ્રનગર ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી પણ ભારે ઉત્સાહ સાથે લાયક ઉમેદવારો ઉમટી પડ્યા હતા અને પારદર્શક રીતે પોતાની પસંદગીની શાળાઓ પસંદ કરી હતી.
મોડી સાંજ સુધી ચાલેલી આ ભરતી પ્રક્રિયા દરમિયાન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. ભદ્રરાજસિંહ વાઘેલા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અમીન ઘેસાણી, જિલ્લા શિક્ષણ સમીતીના ચેરમેન જશુભા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ડો. દિપેન્દ્રભાઈ ધાધલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી સમગ્ર પ્રક્રિયાનું સુચારુ સંચાલન કર્યું હતું. શાળાઓમાં નવા વિદ્યાસહાયકોના આગમનથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અનુકૂળ અસર પડશે અને ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં શિક્ષણ કાર્ય વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
