છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કેસરપુરા ગામે આવેલ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ (EMRS) ખાતે ગત ૨૬ તારીખથી ત્રણ દિવસીય સંકુલ કક્ષાના સાંસ્કૃતિક ઉત્સવ-૨૦૨૬ની ભવ્ય શરુઆત થઈ છે. આ મહાકુંભમાં સંકુલ હેઠળ આવતી દસ વિવિધ એકલવ્ય શાળાઓના આશરે ૨૬૭ જેટલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ સાહિત્યિક, સાંસ્કૃતિક, કલાત્મક તેમજ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક સહભાગી બની પોતાની કલાના જોહર દેખાડ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પરંપરાગત અતિથિ સ્વાગત, દીપ પ્રાગટ્ય અને મા સરસ્વતીની વંદના સાથે કરવામાં આવી હતી, જેમાં વાઘોડિયા-૨ EMRSના આચાર્ય સચિન ત્યાગી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કવાંટ EMRSના આચાર્ય સંદીપ કુમાર અને પુનિયાવંત EMRSના આચાર્ય રાકેશ કુમાર સૈનીએ પણ વિશિષ્ટ મહેમાન તરીકે ઉપસ્થિત રહી સમગ્ર આયોજનની શોભા વધારી હતી.
ઉદ્ઘાટન સમારોહને સંબોધતા યજમાન શાળાના આચાર્ય ધર્મેન્દ્ર શર્માએ શિક્ષણના વ્યાપક અભિગમ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, શિક્ષણ માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું સીમિત નથી, પરંતુ વિદ્યાર્થીઓની આંતરિક પ્રતિભાને ઉજાગર કરી તેમના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ કરવો અનિવાર્ય છે. તેમણે ઉમેર્યું હતું કે સ્પર્ધાનો મૂળ ઉદ્દેશ્ય અન્યથી આગળ નીકળવાનો નહીં, પરંતુ પોતાના અગાઉના પ્રદર્શનને સુધારવાનો છે અને આ મંચ વિદ્યાર્થીઓને પોતાની જાત સાથે સ્પર્ધા કરી પ્રતિભા નિખારવાની ઉત્તમ તક પૂરી પાડે છે. ઉપસ્થિત તમામ આમંત્રિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા કલા, સંગીત અને સંસ્કૃતિના જીવનમાં રહેલા મહત્વને રેખાંકિત કર્યું હતું અને યુવાનોને પૂર્ણ આત્મવિશ્વાસ, શિસ્ત તથા હકારાત્મક ઉર્જા સાથે વિવિધ સ્પર્ધાઓમાં જોડાવા માટે પ્રેરિત કર્યા હતા.
આ ત્રિદિવસીય મહોત્સવ દરમિયાન સમૂહ નૃત્ય, સમૂહ ગાયન, એકલ નૃત્ય, એકલ ગાયન, વાદ્ય સંગીત, નાટ્યકલા, સાહિત્યિક પ્રવૃત્તિઓ, પ્રશ્નોત્તરી અને દ્રશ્યકલા સહિતની અનેકવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્સવમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ ભારતીય લોકસંસ્કૃતિ, સમૃદ્ધ આદિવાસી પરંપરાઓ, સ્થાનિક કલા અને સાંસ્કૃતિક વિવિધતાના અદ્ભુત રંગો મંચ પર રેલાવ્યા હતા. વિદ્યાર્થીઓની આ સર્જનાત્મક પ્રસ્તુતિઓએ ઉપસ્થિત સૌ કોઈના મન મોહી લીધા હતા અને આ ઉત્સવ ગ્રામીણ ક્ષેત્રના વિદ્યાર્થીઓમાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવવા માટે એક સક્ષમ મંચ સાબિત થયો છે.
