પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP) ની સરકારે પોતાના ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન સરકારી તિજોરી છલોછલ ભરી દીધાના દાવા સાથે મોગાના મટવાણી ગામે ભવ્ય 'ખુશહાલ પંજાબ મહારેલી' યોજીને આગામી વિધાનસભા ચૂંટણીના પ્રચારનો પ્રારંભ કર્યો છે. જો કે, રાજ્યના નાણાકીય આંકડાઓ આ દાવાઓથી તદ્દન વિપરીત તસવીર રજૂ કરે છે. માર્ચ 2022માં જ્યારે 'આપ' સત્તા પર આવી ત્યારે રાજ્યનું કુલ ચોખ્ખું દેવું રૂપિયા 2.73 લાખ કરોડ હતું, જે નાણાકીય વર્ષ 2025-26ના અંત સુધીમાં વધીને આશરે રૂપિયા 4.08 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. આમ, ચાર વર્ષના ટૂંકાગાળામાં જ રાજ્યના દેવામાં આશરે રૂપિયા 1.35 લાખ કરોડનો જંગી વધારો થયો છે, જે દર્શાવે છે કે સરકારે ખર્ચાઓ પહોંચી વળવા માટે તિજોરી ભરવાને બદલે મોટાપાયે લોનનો સહારો લીધો છે.
રાજ્ય સરકાર દ્વારા જનતાને આપવામાં આવતી લોભામણી કલ્યાણકારી યોજનાઓ અને ફ્રી વીજળી તેમજ મહિલાઓ માટેની કેશ ટ્રાન્સફર સ્કીમ્સ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. વીજળી સબસિડી પાછળ વાર્ષિક હજારો કરોડ રૂપિયાનો ખર્ચ થતો હોવાથી અને વ્યાજની ચૂકવણી પાછળ જ કુલ ખર્ચના 17.2 ટકા જેટલી રકમ ખર્ચાઈ જતી હોવાથી મૂડીગત વિકાસ કાર્યો માટે નાણાકીય ભંડોળ મર્યાદિત બન્યું છે. અગાઉની SAD-BJP અને કોંગ્રેસ સરકારોની સરખામણીમાં 'આપ' સરકારની વાર્ષિક લોન લેવાની ગતિ ઘણી ઝડપી રહી છે. ચૂંટણી ટાંકણે વિપક્ષી પક્ષો દ્વારા આ આર્થિક કુશાસન અને સરકારી સાધનોના દુરુપયોગને મુખ્ય મુદ્દો બનાવવામાં આવ્યો છે, તો બીજી તરફ શાસક પક્ષ મફત વીજળી અને સામાજિક સુરક્ષા પેન્શન જેવા લાભો જાળવી રાખવાના નામે મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
ચૂંટણી મંચ પરથી 'આપ' નેતાઓએ રોજગારી, આરોગ્ય સેવાઓ અને મહિલા કલ્યાણના દાવાઓ સાથે વિપક્ષો પર પ્રહારો કર્યા છે, પરંતુ ડ્રગ્સની સમસ્યા, પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ની કાયદાકીય ખાતરી અને બેરબલ કલાં ગોળીબાર કેસ જેવા વર્ષો જૂના વચનો હજુ પણ અધૂરા છે. મોગા રેલીમાં સરકારી બસોના ઉપયોગને લઈને થયેલા વિવાદ અને હાઈકોર્ટમાં દાખલ થયેલી જનહિત અરજીએ રાજકીય ગરમાવો વધારી દીધો છે. હવે પંજાબની જનતા કલ્યાણકારી યોજનાઓના ટૂંકાગાળાના લાભો જોશે કે પછી રાજ્ય પર વધી રહેલા આર્થિક દેવાના બોજ અને લંબાયેલાં વાયદાઓને ધ્યાનમાં રાખીને મતાધિકારનો ઉપયોગ કરશે, તે આગામી ચૂંટણી જ નક્કી કરશે.
